News of Thursday, 19th March 2026
નાવરા ગામમાં પંચાયત ભવનનું કામ 5 વર્ષથી ખોરંભે : જૂનું મકાન તોડી પાડ્યું, નવું અધૂરું મૂકતા રોષ
તંત્રની બેદરકારી સામે ગામનો રણટંકાર: 2 મહિનામાં કામ શરૂ નહીં થાય તો આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામે વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. 5 વર્ષ પહેલાં શરૂ થયેલું ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કાર્ય અચાનક ખોરંભે પડતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ સરકાર પેપરલેસ અને ડિજિટલ પંચાયતની વાતો કરે છે, ત્યારે બીજી તરફ નાવરાના ગ્રામજનોએ પોતાના પંચાયતી કામો માટે અન્ય ગામોના ધક્કા ખાવા પડી રહ્યા છે. ગ્રામજનોએ હવે આકરો મિજાજ બતાવતા ચીમકી ઉચ્ચારી છે કે જો 2 મહિનામાં કામ પૂર્ણ નહીં થાય તો આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામનું જૂનું પંચાયત ભવન એકદમ સુવ્યવસ્થિત હાલતમાં હતું. ગ્રામજનો અને સરપંચે તે સમયે વિરોધ કર્યો હતો કે નવા ભવન પાછળ 20 લાખનો ખર્ચ કરવાને બદલે જૂના ભવનને માત્ર 4 થી 5 લાખમાં રિનોવેટ કરી શકાય તેમ હતું. તેમ છતાં શાસકો અને તંત્રએ પોતાની મનમાની ચલાવી જૂનું ભવન તોડી પાડ્યું હતું. હવે સ્થિતિ એવી છે કે નવું ભવન અધૂરું લટકી રહ્યું છે અને તેમાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે.
પંચાયત ભવનના અભાવે ગામના તલાટી કમ મંત્રીને અન્ય ગામોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. નાવરાના રહીશોએ દાખલા કે અન્ય સરકારી કામ માટે રાજુવાડિયા, રાજપરા કે વરાછા સુધી લાંબા થવું પડે છે. સૌથી વધુ હાલાકી ગામના વૃદ્ધોને ભોગવવી પડે છે, જેમને નાના કામ માટે કલાકો સુધી મુસાફરી કરવી પડે છે. મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા આ કામમાં જો બજેટની જોગવાઈ નહોતી, તો જૂનું ભવન તોડવાની જરૂર શું હતી? તેવો સવાલ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.
આ મામલે ગ્રામજનોએ અગાઉ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. કલેક્ટરે રૂબરૂ મુલાકાત લઈને સ્થળ તપાસ પણ કરી હતી, પરંતુ આજદિન સુધી ઈંટ પણ હલી નથી. કલેક્ટરની મુલાકાત બાદ પણ કામ શરૂ ન થતા ગ્રામજનોમાં હવે તંત્ર પ્રત્યેનો વિશ્વાસ ડગી રહ્યો છે.
નાવરા ગામના આગેવાનોએ ઉગ્ર સૂરે જણાવ્યું હતું કે, જો બે મહિનામાં અધૂરા ભવનનું કામ ફરી શરૂ કરવામાં નહીં આવે તો રોષે ભરાયેલા ગ્રામજનો આ સ્ટ્રક્ચર પર જેસીબી ફેરવી તેને તોડી પાડશે. સાથે જ ગામના એક પણ વ્યક્તિ મતદાન કરવા નહીં જાય તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
