<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

પોરબંદર જિલ્લાને ભૂપેન્‍દ્રભાઇ દ્વારા ૩પ૬,૮ર કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને આજે બપોરે તાજાવાલા હોલ ખાતે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમઃ કુંવરજીભાઇ બાવળિયા અને અર્જુનભાઇ મોઢવાડીયા ઉપસ્‍થિત રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આજે બપોરે પોરબંદર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તાજાવાલા હોલ ખાતે વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુર્હુત કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાનેથી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ઉપસ્‍થિત રહીને તેઓ જિલ્લાને ૩પ૬,૮ર કરોડના વિવિધ વિકાસ લક્ષી કાર્યોની ભેટ આપશે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ  પટેલ  પોરબંદર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મુખ્‍યમંત્રીશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને બપોરે ૩ વાગ્‍યે શહેરના તાજાવાલા હોલ ખાતે વિકાસના વિવિધ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણનો ગરીમામય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે પોરબંદર જિલ્લામાં કુલ રૂ. ૩૫૬.૮૨ કરોડથી વધુના ખર્ચે ૪૫ જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ નાગરિકોને અર્પણ કરવામાં આવશે. જેમાં અંદાજે રૂ. ૨૬૩.૭૧ કરોડના ખર્ચે તૈયાર થનારા ૧૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂા. ૯૩.૧૧ કરોડના ૨૯ કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રભાર મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને રાજય કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયા ઉપસ્‍થિત રહેશે.

 આ વિકાસલક્ષી      પ્રોજેક્‍ટ્‍સમાં વિવિધ વિભાગોના જનહિતલક્ષી કાર્યોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્‍યત્‍વે શહેરી વિકાસ અને ગળહ નિર્માણ વિભાગના રૂ. ૨૩૭.૮૦ કરોડથી વધુના ૧૫ કામો, માર્ગ અને મકાન વિભાગના રૂ. ૭૩.૯૭ કરોડથી વધુના ૧૪ કામો, વન અને પર્યાવરણ વિભાગ હેઠળ રૂ. ૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સર્વોદય વન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના રૂ. ૨૦.૫૬ કરોડથી વધુના તેમજ શ્રમ અને રોજગાર વિભાગના રૂ. ૪.૪૮ કરોડથી વધુના વિવિધ પ્રોજેક્‍ટ્‍સ સામેલ છે.

આ ગરિમામય અવસરે મુખ્‍યમંત્રીશ્રીની સાથે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્‍થિત રહેશે.

જિલ્લા કલેકટર શ્રી એસ. ડી. ધાનાણીએ પત્રકાર પરિષદ યોજીને મુખ્‍યમંત્રીશ્રીના આ પ્રવાસની વિગતોમાં જણાવેલ કે, જિલ્લાના સર્વે નાગરિકોને જિલ્લાના વિકાસના આ વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવા હાર્દિક અનુરોધ કર્યો હતો.   છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પોરબંદર જિલ્લામાં વિકાસના કાર્યો એ જ ગતિએ થયા છે એટલું જ નહીં પોરબંદર જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે સર્વાંગી કાર્યો પણ રાજ્‍ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્‍યા છે. સાંસદ  મનસુખભાઈ માંડવીયા પણ કેન્‍દ્રીય મંત્રીશ્રી હોય , રાજ્‍ય સરકાર અને કેન્‍દ્ર સરકારના સહયોગથી જિલ્લામાં વિકાસલક્ષી પ્રોજેક્‍ટ સાકાર થઈ રહ્યા છે અને જેનો લાભ જિલ્લાના લોકોને મળી રહ્યો છે.

(1:15 PM IST)