<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ભગવામય બન્યું વિરમગામ, સિધ્ધનાથ મહાદેવ મંદિર મેદાન ખાતે ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું

વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત સાધુ – સંતો, મહેમાનો સૌ હિન્દુ ભાઇ બહેનો દ્વારા ભારતમાતાની સામુહિક આરતી ઉતારવામાં આવી : વિચરતી અને વિમુક્ત જાતિની દીકરીઓ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :  વિરમગામ નગરની સિદ્ધનાથ વસ્તીમાં હિન્દુ જાગરણ સમિતિ દ્વારા આપણી સનાતન પરંપરાઓ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા સામાજીક સમરસતા, સદભાવના, સંસ્કાર અને હિન્દુ સ્વાભિમાનની જાગૃતિ અર્થે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ ભાઈ બહેનો ભગવો ધ્વજ લઈને હિન્દુ સંમેલનમાં આવ્યા હતા, જેથી વાતાવરણ ભગવામય બની ગયું હતુ. આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા પધારેલા સાધુ-સંતો સહિતના મહેમાનોનું સામૈયું કરી કુમકુમ તિલક દ્વારા આવકારવામાં આવ્યા હતા. સાધુ-સંતો સહિતના મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરીને હિન્દુ સંમેલનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
       હિન્દુ સંમેલનમાં પરમ પૂજ્ય મહંત શ્રી મ.મ. 1008 શ્રી લલિતકિશોર શરણજી મહારાજ (ગુરુ શ્રી બાલકૃષ્ણજી મહારાજ - શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ, મોટા મંદિર, લીમડી) એ ઉપસ્થિત રહી 'હિન્દુ ધર્મ જાગરણ' વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું અને આશીર્વાદ પાઠવ્યા હતા. જાણીતા લોકસાહિત્યકાર કાંતિભાઈ માસ્તર (વઢવાણ) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ જેવા વીર પુરુષોની શૌર્ય ગાથા રજૂ કરવામાં આવી હતી, જેને સાંભળી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા.
      હિન્દુ સંમેલનમાં મુખ્ય વક્તા  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરમગામ જિલ્લા કાર્યવાહ મિલનભાઈ ભાવસાર દ્વારા દ્વારા આપણે કોણ છીએ, સનાતન હિન્દુ ધર્મ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના સમયેની સ્થિતી, સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યો, સમાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશીભાવ જાગરણ, નાગરિક કર્તવ્ય સહિતના વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ.
       વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત સાધુ – સંતો, મહેમાનો  સહિત સૌ હિન્દુ ભાઇ બહેનો દ્વારા ભારતમાતાની સામુહિક આરતી ઉતારવામાં આવી હતી. આ ઉપરાંત વિચરતી અને વિમુક્ત જાતિની દીકરીઓ દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. નાના નાના ભૂલકાઓ વિવિધ વેશભૂષામાં તૈયાર થયેલા જોવા મળ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર દીકરીઓ અને વેશભૂષામાં ભાગ લીધેલ બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હિન્દુ જાગરણ સમિતિ દ્વારા ભવ્ય હિન્દુ સંમેલનમાં સેવા - યોગદાન આપનાર સૌ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(2:33 PM IST)