તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Friday, 20th March 2026
કડવા લીમડાના મીઠા ગુણ : રોગી પીએ તો નિરોગી અને નિરોગી પીએ તો રોગી ન થાય
રાજકોટ ગુરૂકુલની સુરત શાખામાં ભગવાનને લીમડાના રસથી અભિષેક :લીમડાનો રસ બનાવવાની રીત વર્ણવતા પ્રભુસ્વામી

સુરત વેડ રોડ ગુરૂકુલમાં લીમડાના રસનું વિતરણ શ્રી પ્રભુસ્વામી અને અન્ય સંતોના હસ્તે કરાયેલ તે પ્રસંગની તસ્વીર.
સુરત તા. ૨૦: રોગી પીવે તો નિરોગી થાય અને નિરોગી પીવે તો રોગી ન થાય એવો ગુણ કડવા લીમડાના રસમાં છે એમ વેડરોડ શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે પ્રભુ સ્વામીએ હરિભકતો તથા વિદ્યાર્થીઓને કહ્યું હતું.
વધુમાં તેઓએ કહ્યું હતું કે આયુર્વેદની દ્રષ્ટિએ લીમડો ધરતી પરનું કલ્પવળક્ષ છે. લીમડો સ્વાદે કડવો પણ ગુણમાં મીઠો હોવાથી એના અનેક ગુણો ગવાયેલા છે.
ચૈત્ર મહિનાના પ્રારંભે ઋષિમુનિઓએ કડવા લીમડાનો રસ કે તેના કુણાં પાદડા અથવા લીમડે આવેલ મોરમાં મરી તથા પ્રમાણસર થોડુ સિંધવ મીઠું નાંખી પીવાનું કહ્યું છે.
આ રસ ૩૦ દિવસ સુધી રોજ પીવામાં આવે તો આખા ઉનાળાનો સંતાપ સતાવતો નથી. તેમજ કોઇપણ ગરમીની વ્યાધિઓ થતી નથી. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. મચ્છરો મારવા તેનો ધુમાડો કરવામાં આવે છે. ઘરમાં ઓરી અછબડા થાય તો લીમડાની ડાળી ઘરના બારણે બાંધવામાં આવે છે. ચામડીના રોગોમાં લીમડાના પાન પાણીમાં ઉકાળીને પાણીથી નવડાવામાં આવે છે. તેના બીજનું તેલ ક્રુમી નાશક છે. જે ચામડીના રોગોમાં વપરાય છે. આમ લીમડો રોગ પ્રતિકારક અને ઔષધિય ગુણો ધરાવે છે.
લીમડાનો રસ કેવી રીતે તૈયાર કરાયો? તેમ જણાવતા શ્રી પ્રભુસ્વામીએ કહ્યું હતું કે પ્રથમ લીમડાના પાંદડાઓને સાધારણ ગરમ પાણીએ ધોવા. જેથી તેના પર પડેલી ૨જ કે જીવાંત દૂર થઈ જાય. ધોઈને પછીથી તેનો ગ્રાઈન્ડરથી રસ બનાવવો. ઠરી ગયા પછી તેમાં મરી તથા યોગ્ય પ્રમાણમાં સિંધવ મીઠું નાંખવું. ગોળ પણ થોડાક નાંખી શકાય. ઘાટુ પાતળું જે પ્રમાણે પોતાને અનુકુળ આવે તેવું રાખીને પાન કરવું.
ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ ગુડી પડવાને નામે ઓળખાય છે. ગુજરાત સિવાય મોટે ભાગે હિન્દુઓમાં આજથી નવા વર્ષની શરૂઆત ગણાય છે. વડિલો નીરોગી રહેવાના આશીર્વાદ આપે છે.
આજે ગુરુકુલના મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા શ્રી પ્રભુ સ્વામી, શ્વેતવૈકુઠ સ્વામી, ભક્તિતનય સ્વામી, વગેરે સંતોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠ પ્રભુને વહેલી સવારે કડવા લીમડાના રસથી અભિષેક કરી ગુડી પડવાનું સ્વાગત કર્યું હતું . કડવા લીમડાના રસના પાન કરવાથી સુખાકારી મળે. સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાનના ચરણોમાં સંતોએ પ્રાર્થના કરી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડરોડ સુરતમાં આજે સંતોએ હરિભક્તો તથા વિદ્યાર્થીઓને કડવા રસનું પાન કરાવ્યું હતું. સૌએ તેનું હસતાં મુખે પાન કર્યું હતું.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
