તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 20th March 2026
સુરતના હીરા ઉદ્યોગની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ : કતારગામની શિવમ જ્વેલ્સ કંપનીની પ્રતિષ્ઠિત ડીટીસી સાઈટ હોલ્ડર તરીકે પસંદગી
૯ વર્ષના લાંબા અંતરાલ બાદ ડાયમંડ ટ્રેડિંગ કંપની દ્વારા નવી નિમણૂક કરવામાં આવી : ૨,૭૦૦ કરોડના ટર્નઓવર અને ૧,૯૫૦ કર્મચારીઓ ધરાવતી કંપનીને હવે સીધો કાચો માલ મળતા નિકાસ અને રોજગારીમાં થશે ધરખમ વધારો

ઈશ્વરિયા:વિશ્વના હીરા ઉદ્યોગના કેન્દ્ર સમાન સુરત શહેરની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. સુરતના કતારગામ વિસ્તારમાં કાર્યરત શિવમ જ્વેલ્સ કંપનીએ વૈશ્વિક મંચ પર ડાયમંડ ટ્રેડિંગ કંપની (DTC) ના ‘સાઈટ હોલ્ડર’ તરીકે સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હીરા ઉદ્યોગના ઇતિહાસમાં લગભગ ૯ વર્ષ બાદ ડીટીસી દ્વારા નવી સાઈટ હોલ્ડર કંપનીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સુરતની આ કંપનીની પસંદગી થતા સ્થાનિક ઉદ્યોગજગતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
દાયકાઓની મહેનત બાદ વૈશ્વિક માન્યતા:
ઘનશ્યામભાઈ માવજીભાઈ શંકરની આગેવાની હેઠળ કાર્યરત શિવમ જ્વેલ્સની સ્થાપના ૧૯૯૫માં થઈ હતી. ખાસ કરીને ૨૦૧૪થી કંપનીએ ટેકનોલોજી અને ગુણવત્તાના ક્ષેત્રે વિશેષ પ્રગતિ સાધી હતી. છેલ્લા ૧૨ વર્ષની સતત મહેનત અને ઘનશ્યામભાઈ શંકરના હીરા ઉદ્યોગના ૪૦ વર્ષના બહોળા અનુભવના પરિણામે ૨૦૨૬માં કંપનીને આ પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. સાઈટ હોલ્ડર બનવા માટે ડીટીસી દ્વારા કંપનીનો ઇતિહાસ, પારદર્શક કાર્યપદ્ધતિ, સતત આર્થિક વિકાસ અને કર્મચારીઓને અપાતી સ્થિરતા જેવા કડક માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં શિવમ જ્વેલ્સ તમામ સ્તરે ખરી ઉતરી છે.
ડીટીસી અને સાઈટ હોલ્ડરનું મહત્વ:
ડાયમંડ ટ્રેડિંગ કંપની (DTC) એ વિશ્વની અંદાજે ૧૩૦ વર્ષ જૂની અને જાણીતી ડી બીયર્સ ગ્રુપનો હિસ્સો છે. આ સંસ્થા વિશ્વભરના પસંદગીના ગણ્યાગાંઠ્યા સાઈટ હોલ્ડર્સને દર મહિને કાચા હીરાનો જથ્થો પૂરો પાડે છે. અગાઉ લંડનમાં મુખ્ય મથક ધરાવતી આ સંસ્થા હવે બોત્સ્વાનાથી કાર્યરત છે અને ઇઝરાયેલ, અમેરિકા, ભારત, શ્રીલંકા તથા ચીન જેવા દેશોમાં તેના સાઈટ હોલ્ડર્સ ધરાવે છે. સાઈટ હોલ્ડર બનવાથી કંપનીને મધ્યસ્થીઓ વગર સીધો જ કાચો માલ ઉપલબ્ધ થાય છે, જે વ્યવસાયિક દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.
કંપનીની આર્થિક ક્ષમતા અને ભાવિ અસરો:
સુરતના વસ્તાદેવડી રોડ, ગોતાલાવાડી સર્કલ પાસે આવેલી શિવમ જ્વેલ્સ નેચરલ ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં મોટું નામ ધરાવે છે. હાલમાં આ કંપની અંદાજે ૨,૭૦૦ કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે અને ૧,૯૫૦ જેટલા રત્નકલાકારોને રોજગારી પૂરી પાડે છે. કંપની દ્વારા તૈયાર કરવામાં આવતા હીરામાંથી ૯૦ ટકા જેટલા માલની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે, જ્યારે ૧૦ ટકા હીરા સ્થાનિક બજારમાં વેચાય છે. હવે સીધો કાચો માલ મળવાને કારણે કંપનીના ઉત્પાદન અને નિકાસના આંકડામાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે, જેની સીધી અસર સુરતના અર્થતંત્ર અને રોજગારી પર પડશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
