News of Saturday, 21st March 2026
વડોદરામાં રુંવાડા ઉભા કરી દેતી કરુણ ઘટના: ખેંચ આવતા જડબું ખોલવા મોઢામાં મૂકેલો સિક્કો ગળામાં ફસાઈ ગયો, 29 વર્ષીય યુવતીએ તડપી-તડપીને દમ તોડ્યો
મધ્ય પ્રદેશની પરણિત યુવતીની વડોદરાની સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત; પાંચ વર્ષની માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ

વડોદરા: અંધશ્રદ્ધા કહો કે જાણકારીનો અભાવ, પણ ક્યારેક નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મધ્ય પ્રદેશની એક 29 વર્ષીય યુવતીનું સિક્કો ગળી જવાથી સર્જાયેલી ગૂંગળામણ બાદ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ તબીબી જગત અને સામાન્ય જનતાને પણ હચમચાવી દીધી છે.
મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશના ખરગોન વિસ્તારમાં રહેતા ગંગાબેન આકાશ રોકડેને અચાનક ખેંચ (આંચકી) આવી હતી. ખેંચ દરમિયાન ગભરાઈ ગયેલા પરિવારજનોએ તેમનું લોક થઈ ગયેલું જડબું ખોલવા માટે મોઢામાં ચલણી સિક્કો મૂક્યો હતો. કમનસીબે, આ સિક્કો મોઢામાં રહેવાને બદલે સીધો ગળાની શ્વાસનળી કે અન્નનળીના ભાગે ઉતરી ગયો હતો. જેના કારણે યુવતીને અસહ્ય ગૂંગળામણ થવા લાગી હતી અને તેમની તબિયત એકાએક લથડી હતી.
ઈન્દોરથી વડોદરા સુધીની દોડધામ નિષ્ફળ રહી
ગંગાબેનની હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક સ્થાનિક સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ઈન્દોર ખસેડવામાં આવ્યા હતા. જોકે, તબિયતમાં સુધારો ન જણાતા ત્રણ દિવસ પહેલા જ તેમને વડોદરાની સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ આ યુવતીનો જીવ બચાવવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા, પરંતુ ગતરોજ સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ગંભીર બીમારીઓ સામે પણ લડી રહી હતી યુવતી
મૃતકના સસરા દિનેશભાઈના જણાવ્યા અનુસાર, ગંગાબેન છેલ્લા ત્રણ વર્ષથી સંધિવા (ગઠિયા)ની ગંભીર બીમારીથી પીડાતા હતા. આ ઉપરાંત તેમને કિડનીમાં ઇન્ફેક્શન, પાચનની સમસ્યા અને કરોડરજ્જુમાં પાણી ભરાઈ જવાની પણ તકલીફ હતી. તબીબોને બ્રેઈન હેમરેજ જેવી સ્થિતિની પણ આશંકા હતી. આમ, શારીરિક રીતે નબળા પડેલા ગંગાબેન માટે ગળામાં ફસાયેલો સિક્કો કાળ સાબિત થયો હતો.
માસૂમ બાળકીએ ગુમાવી માતા
ગંગાબેનના અકાળે અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સૌથી વધુ કરુણતા એ છે કે તેમની પાંચ વર્ષની માસૂમ પુત્રી હવે માતા વગરની થઈ ગઈ છે. હાલ સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોતનું મુખ્ય કારણ ગળામાં ફસાયેલો સિક્કો હતો કે અન્ય કોઈ બીમારીઓની ગૂંચવણ.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
