<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

બનાસકાંઠા: માવસરી ગૌશાળા વિવાદનો સુખદ અંત: ₹71 લાખની ગેરરીતિના આક્ષેપો 'પાયાવિહોણા' સાબિત થયા, ગ્રામજનો વચ્ચે એક-એક પાઈનો હિસાબ થયો ક્લિયર

ટ્રસ્ટી પ્રકાશ વ્યાસ સામેના આક્ષેપો માત્ર બદનામ કરવાનું કાવતરું; દેવપુરી બાપજી અને ગ્રામજનોની હાજરીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતાં વિરોધીઓ ભોંઠા પડ્યા

માવસરી (વાવ-થરાદ): બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ માવસરી ગૌશાળાને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદોનો આખરે અંત આવ્યો છે. ગૌશાળાના વહીવટમાં લાખો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપોને પગલે બોલાવવામાં આવેલી ગ્રામજનોની બેઠકમાં ટ્રસ્ટીઓએ તમામ બિલો, ઓડિટ રિપોર્ટ અને રોજમેળ રજૂ કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે.
ષડયંત્રનો પર્દાફાશ અને હિસાબી સ્પષ્ટતા
ગૌશાળાના ટ્રસ્ટી અને અગ્રણી પ્રકાશ વ્યાસ પર ₹71 લાખની ગેરરીતિનો ગંભીર આક્ષેપ લગાવી વોટ્સએપ પર ખોટા મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા. આ અંગે ખુલાસો કરતા પ્રકાશ વ્યાસે જણાવ્યું કે, ગાયો માટે ખરીદવામાં આવેલા પાપડી ખોળ અને ટ્રેક્ટરના ઇંધણ માટેના તમામ વાઉચર અને ચેકબુક રેકોર્ડ પર છે. વિરોધીઓએ માત્ર અંગત અદાવત રાખવા માટે ધાર્મિક સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ગ્રામજનો સમક્ષ રજૂ કરાયેલા પાકા હિસાબો બાદ નિષ્ફળ સાબિત થયો છે.
ગેરસમજ દૂર અને નવો ઠરાવ
ગૌશાળાની જગ્યા બદલવા અંગે જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં પણ હવે સમાધાન થઈ ગયું છે. હાલની જગ્યા નાની હોવાથી દૂધાળી ગાયો અને પાંખડી ગાયોને અલગ રાખવા માટે નવી જગ્યાએ વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે. દેવપુરી બાપજીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, "રોણપુરી બાપજીના સમયથી લઈને અત્યાર સુધીના તમામ હિસાબો કાચ જેવા ચોખ્ખા છે. બહારના તત્વોએ ફેલાવેલી ગેરસમજ હવે દૂર થઈ ગઈ છે."
રાજકારણ ન લાવવા ગ્રામજનોની અપીલ
ગામના આગેવાન રામસિંહ રાજપૂતે તમામ સમાજના લોકોની હાજરીમાં જણાવ્યું કે, ગૌશાળા એ આસ્થાનું કેન્દ્ર છે, તેમાં કોઈએ રાજકારણ લાવવું જોઈએ નહીં. ભવિષ્યમાં નવી ગૌશાળા સંપૂર્ણ કાર્યરત થયા બાદ જરૂર જણાશે તો ગ્રામસભા બોલાવી નવી કમિટીની રચના કરવામાં આવશે. હાલ પૂરતો તમામ વિવાદ શમી ગયો છે અને ગૌસેવાનું કાર્ય રાબેતા મુજબ વેગવંતુ બનશે. આ સુખદ સમાધાનથી સમગ્ર પંથકના ગૌભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

(6:58 PM IST)