<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

સુરતમાં કાળજું કંપાવતી ઘટના: ઘરમાં બ્લીચિંગ પીધા બાદ પુત્ર ચૂપચાપ માતાના ખોળામાં માથું રાખી સૂઈ ગયો, હોસ્પિટલમાં દમ તોડતા પરિવાર પર આભ તૂટી પડ્યું

ભેસ્તાનમાં મીની વાવાઝોડા વચ્ચે સર્જાયેલા અંધકારમાં 34 વર્ષીય જેકીએ ભર્યું અંતિમ ડગલું; બેરોજગારીના ટેન્શનમાં માસૂમ પુત્રનો જીવ ગયો, માતાના ખોળામાં જિંદગીની છેલ્લી ક્ષણો વિતાવી

સુરત: હીરાનગરી સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈપણનું હૈયું ભરાઈ આવે. જીયાવ-બુડિયા રોડ પર રહેતા એક શ્રમિક પરિવારના 34 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી બ્લીચિંગ લિક્વિડ પી લીધું હતું. આત્મઘાતી પગલું ભર્યા બાદ તે કંઈ પણ બોલ્યા વગર બહાર આવીને પોતાની માતાના ખોળામાં માથું રાખીને સૂઈ ગયો હતો. માતાને અણસાર પણ નહોતો કે તેનો વ્હાલસોયો પુત્ર હવે ક્યારેય આંખો ખોલશે નહીં.
મળતી વિગતો અનુસાર, ગત ગુરુવારે રાત્રે સુરતમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો, જેના કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી. અંધારું અને અસહ્ય ગરમી હોવાથી જેકીકુમાર મિસ્ત્રીનો પરિવાર ઘરની બહાર ઓટલા પર બેઠો હતો. આ દરમિયાન જેકી છાનામાના ઘરમાં ગયો અને બ્લીચિંગ લિક્વિડ ગટગટાવી ગયો. થોડી જ વારમાં તે બહાર આવ્યો અને કશું જ કહ્યા વગર માતાના ખોળામાં પોઢી ગયો. જ્યારે તેની તબિયત લથડવા લાગી ત્યારે પરિવારને કંઈક અમંગળ બન્યું હોવાની શંકા ગઈ હતી.
બે દિવસ સુધી જીવન-મરણ વચ્ચેનો જંગ
જેકીની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં છેલ્લા બે દિવસથી જેકીકુમાર મોત સામે લડી રહ્યો હતો, પરંતુ ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં આજે તેણે દમ તોડી દીધો હતો. યુવાન પુત્રના મોતથી શ્રમિક પિતા અને વૃદ્ધ માતાના આક્રંદથી હોસ્પિટલના દિવાલો પણ ધ્રૂજી ઉઠી હતી.
કામ ન મળતા માનસિક તણાવમાં હોવાની શક્યતા
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, 34 વર્ષીય જેકીકુમાર છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતો. તેને યોગ્ય કામ મળી રહ્યું ન હોવાથી તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. પિતા મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હોવાથી જેકી પોતાના ભવિષ્યને લઈને ચિંતિત હતો અને આ જ ટેન્શનમાં તેણે આ ભયાનક પગલું ભર્યું હોવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:10 PM IST)