News of Saturday, 21st March 2026
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 'લીકર પરમિટ' કૌભાંડનો પર્દાફાશ: સરકારી તિજોરીના પૈસા બારોબાર સગેવગે કરનારા ૩ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ
૯ પરમિટના ૧.૮૦ લાખ રૂપિયા સિનિયર ક્લાર્ક અને કેશિયરે અંગત મોજશોખ માટે વાપરી નાખ્યા; જાન્યુઆરીથી માર્ચ દરમિયાન આચરાયેલી ઉચાપતનો ભાંડો ફૂટતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ, વહીવટી તંત્રમાં ફફડાટ

અમદાવાદ: એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આ વખતે કોઈ તબીબી લાપરવાહી નહીં, પરંતુ વહીવટી વિભાગના કર્મચારીઓની ગંભીર નાણાકીય ગેરરીતિ સામે આવી છે. મેડિકલ ગ્રાઉન્ડ પર ઈશ્યૂ કરવામાં આવતી લીકર પરમિટની ફી પેટે ઉઘરાવવામાં આવેલી ૧.૮૦ લાખ રૂપિયાની સરકારી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાને બદલે ત્રણ કર્મચારીઓ બારોબાર ઓહિયા કરી ગયા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ખેલાયો ખેલ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કૌભાંડ ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૧૭ માર્ચ ૨૦૨૬ ના ટૂંકા ગાળામાં આચરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં જ્યારે કોઈ વ્યક્તિ સ્વાસ્થ્યના કારણોસર લીકર પરમિટ માટે અરજી કરે છે, ત્યારે તેની નિયત ફી વસૂલવામાં આવે છે. આંતરિક તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, કુલ ૯ લીકર પરમિટના પૈસા સરકારી ચોપડે ક્યાંય બોલતા નહોતા. આરોપીઓએ આ ૯ પરમિટ પેટે વસૂલેલી કુલ ૧,૮૦,૦૦૦ રૂપિયાની રકમ સરકારી ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી.
સિનિયર ક્લાર્ક સહિત ત્રણ સામે ગુનો દાખલ
આ નાણાકીય ઉચાપતમાં સિવિલ હોસ્પિટલના લીકર પરમિટ વિભાગના સિનિયર ક્લાર્ક કરસનસિંહ વાઘેલા મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે. તેમની સાથે અન્ય બે કર્મચારીઓ નવીનચંદ્ર વાઘેલા અને વસંત નિનામાની સંડોવણી પણ સામે આવી છે. સિવિલના સત્તાધીશોને જ્યારે હિસાબમાં મોટી ગરબડ જણાઈ ત્યારે તેમણે આંતરિક તપાસ કરાવી હતી, જેમાં આ ત્રણેયની કરતૂત પકડાઈ ગઈ હતી. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વહીવટી તંત્રમાં ફફડાટ અને તપાસનો વ્યાપ
આ કૌભાંડ બહાર આવતા સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શાહીબાગ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ માત્ર ૯ પરમિટનો જ ખેલ છે કે પછી ભૂતકાળમાં પણ આ રીતે લાખો રૂપિયા સગેવગે કરવામાં આવ્યા છે. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતી ભ્રષ્ટાચારી પ્રવૃત્તિઓ પર ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
