<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ આપણી ભવ્ય સંસ્કૃતિને જીવંત રાખે તે આપણી સામૂહિક જવાબદારી - વિશ્વ ગુજરાતી સમાજના પદભાર ગ્રહણ સમારોહમાં જગદીશભાઈ વિશ્વકર્માનું પ્રેરક ઉદબોધન

નવનિયુક્ત પ્રમુખ ભાવેશભાઈ લાખાણીના પદગ્રહણ પ્રસંગે જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, વજુભાઈ વાળા અને નરહરીભાઈ અમીન સહિતના અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિ : ગાંધીની ગાથા અને સરદારના સામર્થ્ય સાથે નવી પેઢીને સંસ્કારોનું ભાથું પીરસવા જગદીશભાઈનું આહવાન

અમદાવાદ:અમદાવાદ ખાતે વિશ્વ ગુજરાતી સમાજના નવનિયુક્ત પ્રમુખના પદભાર ગ્રહણનો ભવ્ય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખ ભાવેશભાઈ લાખાણીને પ્રમુખપદનો બેઝ પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જગદીશભાઈએ વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતીઓને પોતાની અસ્મિતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા માટે માર્મિક અપીલ કરી હતી.

ગુજરાતની ધરતીની વિશેષતા અને ઇતિહાસનું સ્મરણ:
સમારોહને સંબોધતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતની સંસ્થાઓમાં મહાત્મા ગાંધીની ગાથા, સરદાર વલ્લભભાઈ પટેલનું સામર્થ્ય, નરસૈયાની ભક્તિ અને ગુજરાતીઓની વેપારની કોઠાસૂઝના દર્શન થાય છે. આ ભૂમિની મહત્તા વર્ણવતા તેમણે ટાંક્યું હતું કે, "ચક્રધારી મોહન (ભગવાન કૃષ્ણ) પણ ગુજરાતમાં વસ્યા હતા અને ચરખાધારી મોહન (ગાંધીજી) પણ ગુજરાતમાં વસ્યા હતા". આઝાદીના સંગ્રામથી લઈને ૫૬૨ રજવાડાઓના એકત્રીકરણ અને દેશના આર્થિક વિકાસમાં ગુજરાતીઓનું અતુલ્ય યોગદાન રહ્યું છે તે વાતનો પણ તેમણે સગર્વ ઉલ્લેખ કર્યો હતો.

વૈશ્વિક ફલક પર ભારતની નવી ઓળખ:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વની સરાહના કરતા જગદીશભાઈએ જણાવ્યું હતું કે, આજે વૈશ્વિક સ્તરે ભારતની જે આગવી ઓળખ ઉભી થઈ છે તેનું સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે. તેમણે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કલમ ૩૭૦ દૂર કરીને દેશની સુરક્ષા મજબૂત કરવાના ઐતિહાસિક નિર્ણયને પણ યાદ કર્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ક્યારેય પોતાની ભારતીય અસ્મિતા અને પહેરવેશનો ત્યાગ કર્યો નથી, જે દરેક ગુજરાતી માટે પ્રેરણારૂપ છે.

નવી પેઢી અને સંસ્કારોનું જતન:
વર્તમાન ટેકનોલોજીના યુગમાં નવી પેઢીને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી બચાવવા પર ભાર મૂકતા જગદીશભાઈએ જણાવ્યું હતું કે, આપણા સંસ્કારોને પુસ્તક સ્વરૂપે સંકલિત કરી આગામી પેઢી સુધી પહોંચાડવા જોઈએ. તેમણે જ્ઞાતિવાદ નાબૂદ કરવાના ઉમદા હેતુથી પોતાના નામ સાથે જ્ઞાતિને બદલે 'વિશ્વકર્મા' શબ્દ સ્વીકાર્યાનો ઉલ્લેખ કરી સામાજિક પરિવર્તનનો સંદેશ આપ્યો હતો. નરેન્દ્રભાઈ મોદીએ G-20 જેવી ઈવેન્ટ્સમાં વિદેશી મહેમાનોને ગુજરાતી વાનગીઓ અને મિલેટ્સ (જાડા ધાન) પીરસીને ભારતીય ખેડૂતોના ઉત્પાદનોનું જે બ્રાન્ડિંગ કર્યું છે, તેને જગદીશભાઈએ બિરદાવ્યું હતું.

ભવ્ય પરિકલ્પના અને ઉપસ્થિત મહાનુભાવો:
જગદીશભાઈ વિશ્વકર્માએ વર્ષ ૨૦૨૭ના અધિવેશનમાં એક એવા વૈશ્વિક કાર્યક્રમની પરિકલ્પના રજૂ કરી હતી જેને આવનારી પેઢીઓ સદીઓ સુધી યાદ રાખે. આ ગૌરવવંતા કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા, સુરેન્દ્રકાકા, સાંસદ નરહરીભાઈ અમીન, ઇફકોના ચેરમેન દિલિપભાઈ સંઘાણી, પૂર્વ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ અને ગુજરાતી સમાજના અનેક અગ્રણીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(9:10 PM IST)