<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

પાટણના 'ઝીલિયા કાંડ'માં નવો વળાંક: અલ્પેશ ઠાકોરની રજૂઆત બાદ તંત્ર ઝૂક્યું, LCB ના 4 કોન્સ્ટેબલો સસ્પેન્ડ થતા ઠાકોર સમાજનું સંમેલન હાલ પૂરતું મોકૂફ

ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરની SP સાથે મેરેથોન બેઠક સફળ; આરોપીઓને ઢોરમાર મારવા મુદ્દે પોલીસ સામે કડક પગલાંની માંગ સ્વીકારાઈ, અસામાજિક તત્વો સામે નિષ્પક્ષ કાર્યવાહીની ખાતરી મળતા સંમેલન રદ

પાટણ: પાટણના ચકચારી ઝીલિયા કાંડ અને ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને માર મારવાની ઘટનાએ રાજકીય અને સામાજિક મોરચે ભારે ગરમાવો લાવી દીધો છે. આ મામલે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો અને ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક બાદ પોલીસે પોતાની ભૂલ સ્વીકારી હોય તેમ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ના ૪ કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે, જેના પગલે સોમવારે યોજાનારું મહાસંમેલન હાલ પૂરતું રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
'કાયદો મર્યાદામાં રહીને કામ કરે' - અલ્પેશ ઠાકોર
SP સાથેની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા અલ્પેશજી ઠાકોરે જણાવ્યું હતું કે, પાટણમાં હાલમાં અલગ-અલગ ગુનેગાર ગેંગો સક્રિય છે અને અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. તેમણે સ્પષ્ટ માંગ કરી હતી કે અસામાજિક તત્વો સામે કાયદાનું શસ્ત્ર ચોક્કસ અજમાવવું જોઈએ, પરંતુ તે કાયદાની મર્યાદામાં રહીને થવું જોઈએ. પોલીસ દ્વારા જે રીતે આરોપીઓને માર મારવામાં આવ્યો તે મુદ્દે તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પોલીસની કામગીરીમાં ગંભીર ત્રુટીઓ રહી છે.
સંમેલન મુદ્દે અલ્પેશજીનો 'યુ-ટર્ન'
પાટણની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા અલ્પેશજીએ કહ્યું કે, માત્ર એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવાને બદલે તમામ પક્ષના ગુનેગારો સામે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આ ઘટનાને પગલે ઠાકોર સમાજમાં વ્યાપેલા રોષને શાંત કરવા સોમવારે એક મોટા સંમેલનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, પોલીસ વડાએ ૪ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપતા અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપતા અલ્પેશજીએ આ સંમેલન મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
LCB માં સસ્પેન્શનનો દોર
જિલ્લા પોલીસ અધિક્ષકે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ફરજમાં અતિરેક બદલ LCB ના ૪ કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. આ નિર્ણયને ઠાકોર સમાજના આગેવાનો પોતાની નૈતિક જીત તરીકે જોઈ રહ્યા છે. હાલમાં પાટણમાં શાંતિ જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ડર રહે તે દિશામાં કામગીરી કરવાની ખાતરી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

(11:09 PM IST)