<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

વડોદરાના માંજલપુર GIDC કોલોનીમાં ગેસ લીકેજથી બ્લાસ્ટ: ઘરના દરવાજા, કાચ અને ટોયલેટ, બાથરૂમના દરવાજા તૂટ્યા

ઘરની લાઇટ ચાલુ કરતાં જ એકાએક ધડાકો થયો: વિસ્ફોટના કારણે ઘરમાં રહેલા સામાનને ભારે નુકસાન પહોંચ્યું

વડોદરાના માંજલપુર GIDC કોલોનીમાં ગેસ લીકેજથી ભયંકર બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર નવી ગેસ બોટલમાં લીકેજ હોવાથી આ બ્લાસ્ટ થયો હતો. ઘર બંધ રાખી નોકરીએ ગયેલા 63 વર્ષીય શંકરભાઈ લાલભાઈ રાત્રે નવ વાગ્યે પરત ફર્યા હતા. તેમણે ઘરની લાઇટ ચાલુ કરતાં જ એકાએક ધડાકો થયો હતો. પ્રચંડ ધડાકાથી ઘરના દરવાજા, ટોયલેટ, બાથરૂમના દરવાજા પણ તૂટી ગયા હતા.

  વિસ્ફોટના કારણે ઘરમાં રહેલા સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. એટલી હદે કે તિજોરીના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનામાં GIDCની ખાનગી કંપનીમાં નોકરી કરતાં શંકરભાઈ દાઝ્યા હતા. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાસ તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. માંજલપુર પોલીસે પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. 

 

(9:59 PM IST)