News of Sunday, 22nd March 2026
અમદાવાદના ધંધુકામાં રાજકીય ગરમાવો : કોંગ્રેસના આગેવાનને જાણ બહાર જ ભાજપમાં ઉપપ્રમુખનો હોદ્દો આપી દેવાતા વિવાદ
મિત્રો અને સ્નેહીઓના અભિનંદન આપતા ફોન અને મેસેજ આવતા નિમણૂકની જાણ થઇ :કાંતિ ગોહિલે આ ઘટનાને એક રાજકીય ષડયંત્ર ગણાવ્યું:તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપે તેમને બદનામ કરવા અને કોંગ્રેસ-ભાજપ વચ્ચે અંદરોઅંદર વિખવાદ ઊભો કરવા માટે આ પગલું ભર્યું

અમદાવાદના ધંધુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અને દલિત સમાજના અગ્રણી કાંતિ ગોહિલને તેમની જાણ બહાર જ ભાજપમાં ઉપપ્રમુખનો હોદ્દો આપી દેવાતા વિવાદ સર્જાયો છે. આ નિમણૂકની જાણ કાંતિ ગોહિલને ત્યારે થઈ જ્યારે તેમના પર મિત્રો અને સ્નેહીઓના અભિનંદન આપતા ફોન અને મેસેજ આવ્યા. કાંતિ ગોહિલે આ ઘટનાને એક રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપે તેમને બદનામ કરવા અને કોંગ્રેસ-ભાજપ વચ્ચે અંદરોઅંદર વિખવાદ ઊભો કરવા માટે આ પગલું ભર્યું છે.
ધંધુકાના જાણીતા દલિત અગ્રણી અને વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા કાંતિ ગોહિલ માટે આ રવિવાર આશ્ચર્યજનક રહ્યો... ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી નિમણૂકોની યાદીમાં કાંતિ ગોહિલનું નામ ઉપપ્રમુખ તરીકે ચમક્યું હતું. નવાઈની વાત એ છે કે, આ નિમણૂક અંગે ખુદ કાંતિ ગોહિલને કોઈ જ જાણકારી નહોતી. જ્યારે તેમના મિત્રો, સગા-સંબંધીઓ અને સ્નેહીઓના અભિનંદન આપતા ફોન અને મેસેજ આવવા લાગ્યા, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેઓ હવે 'સત્તાવાર' રીતે ભાજપના હોદ્દેદાર બની ગયા છે.
આ ઘટના બાદ કાંતિ ગોહિલે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા આ સમગ્ર નિમણૂકને એક મોટું રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "ભાજપે મારી મંજૂરી કે જાણ બહાર જ મને હોદ્દો આપી દીધો છે. હું વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને મારી વિચારધારા અકબંધ છે." તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, આ માત્ર તેમને બદનામ કરવા માટે અને કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે અંદરોઅંદર વિખવાદ ઊભો કરવા માટે રચાયેલી એક ચાલ છે.
ધંધુકા વિસ્તારમાં કાંતિ ગોહિલ દલિત સમાજના મોટા ગજાના નેતા ગણાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે દરેક પક્ષ મજબૂત ચહેરાઓને પોતાની તરફ ખેંચવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, ભાજપ આ વિસ્તારમાં દલિત મતોનું સમીકરણ બેસાડવા માંગે છે, પરંતુ આ પ્રકારે સીધી નિમણૂક કરી દેવી તે પક્ષ માટે પણ ઉલટું પડી શકે છે. કાંતિ ગોહિલના વિરોધ બાદ હવે ભાજપ સંગઠન આ મામલે શું સ્પષ્ટતા કરે છે તે જોવું રહ્યું.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
