<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત સામે ઇલેક્‍ટ્રિક વાહનોનો વપરાશ વધ્‍યો

ત્રણ વર્ષમાં વિવિધ પ્રકારના ઈલેકટ્રિક વાહનોની સંખ્‍યા ૪૯૦૦૦ ઉપર પંહોચી

અમદાવાદ,તા.૨૩: પેટ્રોલ-ડીઝલની કિમતમાં થયેલાં વધારાથી ત્રાહિમામ પોકારી ઊઠેલાં શહેરીજનો હવે ધીમે ધીમે ઈલેક્‍ટ્રિક વાહનો તરફ વળી રહ્યાં છે અને છેલ્‍લા ત્રણ વર્ષમાં ઇલેક્‍ટ્રિક ટુ વ્‍હીલર અને મોટરકારની ખરીદીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને વિવિધ પ્રકારના ઇલેક્‍ટ્રિક વાહનોની સંખ્‍યા ૪૯ હજાર ઉપર પહોંચવા પામી છે.

મ્‍યુનિ. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, મ્‍યુનિ.હદ વિસ્‍તારમાં પેટ્રોલ-ડીઝલના વાહનો ખરીદવામાં આવે તો તેના ઉપર નિયત કરાયેલો વેહિકલ ટેક્‍સ ભરવો પડે છે, પરંતુ મ્‍યુનિ.સત્તાધીશોએ પર્યાવરણના ફાયદા માટે તેમજ પેટ્રોલ અને ડીઝલ જેવી પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ ઘટાડી કિમતી હૂંડિયામણ બચાવવા તેમજ ક્રુડ ઓઇલનું ઉત્‍પાદન કરતાં દેશો ઉપર આધારિત રહેવાને બદલે ઇલેક્‍ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્‍સાહન આપવા ઉપર ભાર મૂક્‍યો છે અને મ્‍યુનિ. બજેટમાં ઈલે. વાહનોની ખરીદી કરનારને મ્‍યુનિ. વેહિકલ ટેક્‍સમાં ૧૦૦ ટકા માફી આપવાની જોગવાઈ કરવા માંડી છે.

મ્‍યુનિ. તંત્રની વેહિકલ ટેક્‍સમાં રાહત ઉપરાંત નાગરિકો હવે ઇલેક્‍ટ્રિક વાહનોમાં ખાસ કરીને બેટરીની સુપરેલી ગુણવત્તા તેમજ વાહનોમાં થયેલાં ફેરફારોને પસંદ કરી ઇલે.વાહનોની ખરીદી તરફ વળી રહ્યાં છે. ઇલે.વાહનોની શરૂઆત સૌપ્રથમ ટુ વ્‍હીલરથી થઈ હતી અને તેમાં પ્રથમ તબક્કાના ટુ વ્‍હીલર એટલાં થર્ડક્‍લાસ ક્‍વોલિટીના આવ્‍યા કે બેટરી અને ચાર્જીંગના ધાંધિયાથી ખરીદનાર ગ્રાહક ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્‍યા હતા. જોકે ધીમે ધીમે ઇલે. ટુ વ્‍હીલર અને મોટરકારના ઉત્‍પાદન-વેચાણમાં ખ્‍યાતનામ કંપનીઓએ પણ ઝંપલાવતાં વાહનોની ગુણવત્તામાં ખાસો સુધારો થયો છે અને લોકોને પસંદ આવી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં જ મોટાભાગે ઈલે. સ્‍કૂટર-બાઈક, મોટરકાર, ઈ-રિક્ષા, ઈ-લોડિગ રિક્ષા, ઇલે. બસ, ઇલે. ગૂડ્‍ઝ કેરિયર વગેરે પ્રકારના વાહનો ફરી રહ્યાં છે, જેમાં સૌથી મોટી સંખ્‍યા ઈલે ટુ વ્‍હીલરની છે અને ત્‍યારબાદ લોકોએ ઈલે. મોટરકાર વસાવવાનું શરૂ કર્યું છે.

મ્‍યુનિ. સૂત્રોએ કહ્યું કે, જોકે ઇલે. વાહનો ઘરે જ રિચાર્જ થઈ શકે છે, પરંતુ મોટરકાર જેવા વાહનો જે હવે હેવી બેટરી ધરાવતાં હોવાથી તેને ઘરે ચાર્જ કરવા માટે થ્રી ફેઝ ચાર્જીંગ પોઈન્‍ટ જરૂરી છે અને સુવિધા તમામ નાગરિકો પાસે હોતી નથી. ફક્‍ત ટુ વ્‍હીલર ઘરે ચાર્જ કરવામાં આવતાં હોય છે અને તેમાં પણ ચાર પાંચ કલાક કે તેનાથી વધુ સમય લાગતો હોય છે. એટલે કે ઈલેક્‍ટ્રિક વાહનોના ચાર્જીંગ માટે શહેરભરમાં પૂરતા પ્રમાણમાં ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઉપલબ્‍ધ નથી તેના કારણે પણ ઇલે.વાહનોની ખરીદી કરતાં લોકો ખચકાતા હોય છે. તેમ છતાં જે નાગરિકો પાસે ઘરે ચાર્જીંગની સુવિધા છે અથવા તેમના ઘર પાસે ચાર્જીંગના કોમર્શિયલ પોઈન્‍ટ છે તેવા લોકોએ ઈલેક્‍ટ્રિક ટુ વ્‍હીલર અને મોટરકાર વસાવીને મ્‍યુનિ. ના વેહિકલ ટેક્‍સમાં ૧૦૦ ટકાનો ફાયદો મેળવ્‍યો છે. શહેરમાં ઇલેક્‍ટ્રિક વાહન ખરીદનાર ગ્રાહક પાસેથી મ્‍યુનિ. ફક્‍ત ૨૫ રૂપિયા નોંધણી ફી વસૂલ કરે છે

કિંમતી ઈ-કાર ઉપર થોડો ઘણો વેહિકલ ટેક્‍સ લેવા ભલામણ

શહેરમાં ઇલેક્‍ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્‍સાહન આપવા માટે મ્‍યુનિ. સત્તાધીશોએ વેહિકલ ટેક્‍સમાં ૧૦૦ ટકા માફી આપીને આવક ગુમાવવાનું પસંદ કર્યું છે. તેની સામે અધિકારીઓનું માનવું છે કે, આ પ્રકારની નીતિથી વાહનવેરાની આવકમાં ખોટ ખમવી પડી છે. તેના બદલે વધુ કિમત ધરાવતાં હોય અને સ્‍પોર્ટસ બાઇક જેવા ઇલેક્‍ટ્રિક ટુ વ્‍હીલર તથા લક્‍ઝુરિયસ ઇલે. મોટરકાર ઉપર થોડો ઘણો વેહિકલ ટેક્‍સ વસૂલ કરવાની જરૂર છે. આ માટે ટેક્‍સ ખાતામાંથી ભલામણ થઇ હતી, પરંતુ સત્તાધીશોએ તેનો અસ્‍વીકાર કર્યો હોવાનું જાણવા મળ્‍યું છે.

(10:31 AM IST)