<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

માવઠાનો મારઃ કૃષિ વિભાગે સર્વે હાથ ધર્યો, રિપોર્ટ બાદ સહાય અંગે વિચારણા

ગત સપ્તાહમાં અસહ્ય ગરમી બાદ એકાએક વાતાવરણમાં પલટાથી લણેલા, ઊભા પાકને નુકસાન : ધરતીપુત્ર ચિંતિતઃ કેરી, ચીકુ સહિતના બાગાયતી પાકોને ગંભીર ફટકો, ઘઉં-કપાસ-ચણા જેવા પાકો પલળી ગયા

અમદાવાદ,તા.૨૩: વિતેલા સપ્તાહમાં ભર ઉનાળે એકાએક વરસેલી આકાશી આફતથી રાજ્‍યના ખેડૂતોને વધુ એક ગંભીર ફટકો પડ્‍યો છે. ચોમાસાની મોસમમાં અતિવૃષ્ટિ અને દિવાળી ટાણે માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને તેજ આંધી પવન અને કરા સાથેના વરસાદથી શિયાળુ પાકનો કોળિયો મોં એ પહોંચે એ પહેલાં જ છીનવાઇ ગયો હોય તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે. રાજ્‍યમાં લગભગ ૧૨૫ તાલુકામાં તો વત્તા ઓછા

અંશે વરસાદ નોંધાયો છે જ્‍યારે આંધી અને પવનના કારણે ઠેકઠેકાણે તબાહી મચી છે. આની વચ્‍ચે રાજ્‍યના કૃષિવિભાગે કમોસમી વરસાદથી પાકને નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે.

કૃષિમંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્‍યું છે કે, ક્‍લાઈમેટ ચેન્‍જની સ્‍થિતિના કારણે વારંવાર બનતી ઘટનાથી ખેડૂતોને પારાવાર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં શક્‍ય એટલી સહાય કરવા સરકાર પ્રયાસ કરે છે તેમાં હમણાં થયેલા માવઠાથી ખેતીને ક્‍યાં કેટલું નુકસાન થયું છે તેનો સર્વે કૃષિ વિભાગને હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું કે, આ સર્વે રાજ્‍યભરમાં થશે અને તેના જે કંઈ રિપોર્ટ આવશે તેના આધારે સરકાર ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેનો વિચાર કરશે. અહીં નોંધવું જરૂરી છે કે ખરીફ સિઝન વખતે પણ બરાબર આવી જ સ્‍થિતિ સર્જાઈ હતી. દિવાળીના તહેવારોના લીધે ખેડૂતોએ પાક લણીને અથવા તો તહેવારો પછી તેને લણવાની તૈયારીઓ કરી હતી ત્‍યાં જ માવઠાએ પરિસ્‍થિતિ બગાડી મૂકી હતી. સરકારે સર્વે કરીને લગભગ દસેક હજાર કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જેની ચુકવણી લગભગ થઈ ચૂકી છે.

ગત શુક્રવારથી રાજ્‍યના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. આમ તો ગુરુવારથી જ ઘણે ઠેકાણે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્‍છના ભાગોમાં વાદળો ઘેરાયા હતા. શુક્રવારે તેજ આંધી તોફાન સાથે વરસાદ ખાબકી પડયો હતો. સૌરાષ્ટ્ર-કચ્‍છના અનેક વિસ્‍તારોમાં ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહ્યો હતો. આવી જ સ્‍થિતિ મધ્‍ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી. આના કારણે ગીર તલાલા, જૂનાગઢ, અમરેલી કચ્‍છની પ્રખ્‍યાત કેરીના પાકને હવે સિઝન શરૂ થાય એ પહેલાં જ ગંભીર ફટકો પડયો હતો. આ જ રીતે વલસાડ અને નવસારીમાં હાફૂસ સહિતની જાણીતી કેરીના ફળ પડી ગયા હતા. ચીકુ અને કેળાની વાડીઓને પણમાં છોડ વળી ગયા હતા. ચીકુ ખરી પડયા હતા. ખેડૂતોનો ઘઉંનો પાક હવે લણવાની તૈયારીમાં હતો તેના રોપા, ચણા, કપાસ, લસણ, તલ, જીરૂ જેવા પાકને પણ સારું એવું નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો ચિતામાં મૂકાયા છે અને કેરી પણ નાગરિકોને મોડી મળી શકે છે.

(10:32 AM IST)