News of Monday, 23rd March 2026
મોરબીના સિરામિક ઉદ્યોગની હાલત કફોડીઃ ૧૫૦૦ કન્ટેનર પાછાં ફરતાં કરોડોનો ફટકો
કંપનીઓએ કન્ટેનર દીઠ ૫૦૦ થી ૩,૫૦૦ ડોલર સુધીનો તોતિંગ સરચાર્જ અને લાખો રૂપિયાનો ડેમરેજ વસૂલતા ઉદ્યોગકારોને ૫ લાખથી લઈને ૨ કરોડ રૂપિયા સુધીનું માતબર આર્થિક નુકસાન

અમદાવાદ,તા.૨૩: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ભારતના સિરામિક ઉદ્યોગ કેન્દ્ર મોરબી પર પડી છે, જે હોર્મુઝ સ્ટ્રેટના અવરોધને કારણે માત્ર ગેસની અછત જ નહિ પણ દરિયામાં કાર્ગોના વધારાના ખર્ચ તેમજ પ્રતિબંધનો પણ સામનો કરી રહ્યો છે. તાજેતરમાં જ નિકાસ માટે મોકલવામાં આવેલા લગભગ ૧૫૦૦ જેટલા કન્ટેનરો પરત ફર્યા હોવાના અહેવાલ છે. આ જહાજો પરત ફરવાને કારણે શિપિગ લાઈનો દ્વારા વસૂલવામાં આવતા સરચાર્જનો માર પણ સિરામિક ઉદ્યોગને મોટો ફટકો આપનારો છે.
મળતી વિગતો અનુસાર, મધ્ય-પૂર્વમાં વધતા તણાવને લીધે મુંદ્રા અને કંડલા પોર્ટ પરથી રવાના થયેલા મોરબીના અંદાજે ૧,૫૦૦ જેટલા કન્ટેનરો અધવચ્ચેથી પરત ફર્યા છે. આ વૈશ્વિક સંકટને પગલે શિપિંગ કંપનીઓએ કન્ટેનર દીઠ ૫૦૦ થી ૩,૫૦૦ ડોલર સુધીનો તોતિગ સરચાર્જ અને લાખો રૂપિયાનો ડેમરેજ વસૂલતા ઉદ્યોગકારોને ૫ લાખથી લઈને ૨ કરોડ રૂપિયા સુધીનું માતબર આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ઉદ્યોગપતિઓએ સરકારને રજૂઆત કરી હતી અને તેના પ્રતિસાદ રૂપે કેન્દ્ર સરકારે મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગકારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ, યુદ્ધના કારણે આર્થિક ફટકો વેઠી રહેલા અસરગ્રસ્ત એક્સપોર્ટરોને વધુમાં વધુ ૫૦ લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. સરકારના આ સમયસરના નિર્ણયથી કરોડો રૂપિયાના નુકસાનમાં ડૂબેલા મોરબીના સિરામિક એકમોને સંકટના સમયે મોટું આર્થિક પીઠબળ મળવાની આશા જાગી છે.
મોરબી સિરામિક ઉદ્યોગને માથે ઊભા થયેલા આ સંકટમાં અન્ય એક કારણ પણ જવાબદાર છે. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી પર મૂકવામાં આવેલા પ્રતિબંધ કે જ્યાંથી વિશ્વનો ૨૦% ગેસ પુરવઠો પસાર થાય છે, તેની અસર પણ મોરબીના સિરામિક ઉદ્યોગમાં જોવા મળી રહી છે. ગેસની અછત સર્જાતા ભારત સરકારે ઘરગથ્થુ રાંધણ ગેસને પ્રાધાન્ય આપ્યું છે, જેના કારણે મોરબીના ૫૧૫થી વધુ પ્રોપેન-સંચાલિત ટાઈલ્સ એકમોને મળતી સપ્લાય બંધ થઈ ગઈ છે. મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (MCMA) એ ૧૭ માર્ચથી ઉદ્યોગોમાં સામાન્ય ઉત્પાદન સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર, મોરબીના આર્થિક તંત્ર પર આની ખૂબ ગંભીર અસર પડી છે. અંદાજે ૭૫,૦૦૦ કરોડના ટર્નઓવર ધરાવતા આ માર્કેટમાં ૭૦% થી વધુ એકમો અત્યારે બંધ છે. માત્ર તેવા જ એકમો કાર્યરત છે જે નેચરલ ગેસ પર ચાલે છે, પરંતુ ત્યાં પણ કેન્દ્ર સરકારના નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ સપ્લાયમાં ૨૦% નો કાપ મુકાયો હોવાથી ચિતા ઘેરી બની છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
