News of Monday, 23rd March 2026
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસોમાં ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા 'વ્હીપ' જારી
નાણાં વિભાગની માંગણીઓ અને મહત્વના સરકારી વિધેયકો પર ચર્ચા-મતદાનને પગલે મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લનો આદેશ

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર:૧૫મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના અંતિમ દિવસો દરમિયાન ગૃહમાં મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ અંતર્ગત ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ (બાળુ શુક્લ) દ્વારા ભાજપના તમામ ધારાસભ્યો માટે એક મહત્વની સૂચના જારી કરવામાં આવી છે. આગામી ૨૩, ૨૪ અને ૨૫ માર્ચ, ૨૦૨૬ દરમિયાન વિધાનસભા ગૃહમાં નાણાં વિભાગની માંગણીઓ, નાણાકીય વિધેયકો તેમજ અતિ મહત્વના સરકારી વિધેયકો પર વિસ્તૃત ચર્ચા અને મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ અતિ મહત્વની સંસદીય કામગીરીને ધ્યાનમાં રાખીને, ભાજપના તમામ ધારાસભ્યોને આ ત્રણેય દિવસો દરમિયાન ગૃહની બેઠકોમાં પૂર્ણ સમય માટે ફરજિયાત ઉપસ્થિત રહેવા આદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય દંડકની કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સભ્યને ગેરહાજર રહેવા માટે મુક્તિ આપવામાં આવશે નહીં.
આ આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સૂચના અનુસાર આપવામાં આવ્યો છે. વિઠ્ઠલભાઈ પટેલ ભવન ખાતે આવેલી મુખ્ય દંડકની કચેરી દ્વારા ૧૬ માર્ચ, ૨૦૨૬ના રોજ આ પત્ર સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેનો અમલ ૧૫મી ગુજરાત વિધાનસભાના તમામ ભાજપ પક્ષના ધારાસભ્યોએ કરવાનો રહેશે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
