<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ગુજરાતમાં ઇંધણ સંગ્રહખોરી રોકવા નિયમોમાં મોટો ફેરફાર : ખેડૂતોને ૨૦૦ લિટર અને મોબાઈલ ટાવર કંપનીઓને ૧૦૦૦ લિટર સુધી બેરલમાં ડીઝલ મેળવવા છૂટ : સામાન્ય વાહનચાલકોને પાત્રમાં ઇંધણ આપવા પર પ્રતિબંધ યથાવત

નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા ૨૩ માર્ચના પરિપત્રમાં સુધારો જાહેર : ખેતીકામ અને ટેલિકોમ સેવાઓ ન ખોરવાય તે માટે લેવાયો નિર્ણય : પેટ્રોલ પંપ ડીલરોએ ખેડૂતોની ખરાઈ કર્યા બાદ જ જથ્થો આપવાનો રહેશે

ગાંધીનગર:રાજ્યમાં ઇંધણની સંગ્રહખોરી અટકાવવા માટે સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ સંદર્ભે નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર દ્વારા અગાઉ તા. ૨૩-૦૩-૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં મહત્વના સુધારા કરતો નવો પરિપત્ર તા. ૨૪-૦૩-૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. નવા સુધારા મુજબ કૃષિ ક્ષેત્ર અને ટેલિકોમ સેવાઓની જરૂરિયાતોને ધ્યાને રાખીને ઇંધણ મેળવવાની મર્યાદાઓમાં રાહત આપવામાં આવી છે.

ખેડૂતો માટે રાહતના સમાચાર:
કૃષિ ક્ષેત્રે ખેતીકામ, ટ્રેક્ટર અને પંપસેટની જરૂરિયાતને પ્રાધાન્ય આપતા નિયામક કચેરીએ ખેડૂતોને ખુલ્લા પાત્ર અથવા બેરલમાં ઇંધણ મેળવવાની મંજૂરી આપી છે. જોકે, સંગ્રહખોરી ન થાય તે માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે કે કોઈ પણ એક ખેડૂત વધુમાં વધુ ૨૦૦ (બસો) લિટર સુધીનો જથ્થો જ મેળવી શકશે. આ સુવિધાનો દુરુપયોગ ન થાય તે માટે પેટ્રોલ પંપ ડીલરોએ સંબંધિત વ્યક્તિ ખેડૂત હોવા અંગેની ચકાસણી અને ખરાઈ કરવાની રહેશે.

મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ માટે જોગવાઈ:
રાજ્યમાં સંચાર વ્યવસ્થા જળવાઈ રહે અને મોબાઈલ કે ઇન્ટરનેટ સેવાઓ ખોરવાય નહીં તે હેતુથી ટેલિકોમ કંપનીઓને મોટી રાહત અપાઈ છે. મોબાઈલ ટાવરના જનરેટર સેટ માટે અધિકૃત ટેલિકોમ કંપનીઓ જરૂરિયાત મુજબ વધુમાં વધુ ૧૦૦૦ (એક હજાર) લિટર સુધીનો ડીઝલનો જથ્થો બેરલમાં મેળવી શકશે. આ માટે કંપનીના અધિકૃત પ્રતિનિધિએ ફરજિયાતપણે પર્ચેઝ ઓર્ડર (Purchase Order) રજૂ કરવાનો રહેશે.

સામાન્ય જનતા માટે નિયમો યથાવત:
ખાનગી વાહનચાલકો માટેના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય વાહનચાલકોને માત્ર તેમના વાહનની ટાંકીમાં જ ઇંધણ ભરી આપવામાં આવશે. કોઈ પણ સંજોગોમાં વાહનની ટેંક સિવાય અન્ય કોઈ પાત્ર કે ડબ્બામાં ઇંધણ આપવા પર કડક પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.

તમામ કલેકટર અને ઓઈલ કંપનીઓને જાણ:
આ આદેશની અમલવારી માટે સંયુક્ત નિયામક અને રાજ્ય નોડલ અધિકારી દ્વારા તમામ જિલ્લાના કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારીઓને પત્ર પાઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત I.O.C.L., B.P.C.L., H.P.C.L. ના સ્ટેટ અને ઝોનલ હેડ તેમજ JioBP અને Nayara જેવી ખાનગી ઓઈલ કંપનીઓના સ્ટેટ હેડને પણ આ નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ખેતી અને ટેલિકોમ સિવાયની અન્ય તમામ શરતો અગાઉના પરિપત્ર મુજબ જ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.

(9:07 PM IST)