<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

તલગાજરડામા હનુમંત જન્મોત્સવ પૂ.મોરારીબાપુની નિશ્રામાં ઉજવાશે : શબાના આઝમીને નટરાજ એવોર્ડ અપાશે

૩૦ માર્ચથી ૨ એપ્રિલ દરમિયાન આયોજન : હનુમંત શાસ્ત્રીય સંગીત મહોત્સવમાં કલાકારો જમાવટ કરશે : વિવિધ ક્ષેત્રના કલા સાધકોને એવોર્ડ આપીને સન્માન કરાશે

રાજકોટ તા.૨૫ : પ્રતિ વર્ષની પાવન પરંપરા અનુસાર આગામી તારીખ ૩૦ માર્ચ થી ૨ એપ્રિલ દરમિયાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે શ્રી હનુમંત જન્મોત્સવ પૂ.મોરારીબાપુની નિશ્રામાં  ઉજવાશે. આ અંતર્ગત યોજાતા હનુમંત શાસ્ત્રીય સંગીત મહોત્સવમાં તારીખ ૩૦/૩/૨૬ રાત્રિએ  દેબાશીષ ભટ્ટાચાર્યનું ગીટાર વાદન પ્રસ્તુત થશે જેની સાથે શ્રી યશવંત વૈષ્ણવ તબલાં સંગત કરશે.

 તા.૩૧/૩/૨૬ની રાત્રિએ  ઓજસ અઢિયાનું તબલાં વાદન થશે જેમાં શ્રી સબીર ખાં સારંગીની સંગત કરશે. તા. ૧/૪/૨૬ ની રાત્રિએ વિદુષી કૌશિકી ચક્રબર્તી તેમના મધુર કંઠે શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે જેમાં  મુરાદઅલી સારંગી, શ્રી. ઇશાન ઘોષ તબલાં અને તન્મય દેવચકે હાર્મોનિયમ સાથે સંગત કરશે. તા. ૨/૪/૨૬ અને શ્રી હનુમંત જન્મદિને સવારે સૌ પ્રથમ શ્રી સુંદરકાંડના પાઠ યોજાશે અને ત્યારબાદ ૯ વાગ્યે શ્રી હનુમંત જન્મોત્સવ પ્રસંગે  ગુરુ રતિકાંત મહાપાત્ર શ્રી હનુમાનજી સમક્ષ ઓડિસી નૃત્ય પ્રસ્તુત કરશે. મહોત્સવના સમાપન પ્રસંગે પૂ. મોરારીબાપુ એમની પ્રસન્નતા વ્યક્ત કરશે.

પ્રતિ વર્ષ સમાજના જુદા જુદા ક્ષેત્રના વિદ્યાધરોને આ અવસરે વિવિધ એવોર્ડ્સ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ પ્રસંગે તા. ૨ એપ્રિલના દિવસે  સુસાઈ કન્નૂ કુલંદેઈ સામીને સદ્ભાવના એવોર્ડ, કનુ પટેલને કૈલાસ લલિતકલા એવોર્ડ (ચિત્રકલા),શ્યામલ મુનશી,સૌમિલ મુનશીને  અવિનાશ વ્યાસ એવોર્ડ, વસંતકુમાર મ. ભટ્ટને વાચસ્પતિ (સંસ્કૃત) એવોર્ડ, શુચિતા વાય. મહેતાને ભામતી (સંસ્કૃત) એવોર્ડ, રમેશભાઈ બી. નાયકને (ભવાઈ) નટરાજ એવોર્ડ, અરવિંદ વૈદ્યને (નાટક) નટરાજ એવોર્ડ, કંવરજીત પેન્ટલ (ટી.વી સીરીયલ) નટરાજ એવોર્ડ, શબાના આઝમી (હિન્દી ફિલ્મ) નટરાજ એવોર્ડ, ગુરુશ્રી રતિકાંત મહાપાત્ર (ઓડિસી નૃત્ય) હનુમંત એવોર્ડ,  ઓજસ અઢિયા, (તાલવાદ્ય-તબલાં) હનુમંત એવોર્ડ, દેબાશીશ ભટ્ટાચાર્ય (વાદ્યસંગીત-ગીટાર) હનુમંત એવોર્ડ અને વિદુષી કૌશિકી ચક્રબર્તીને (શાસ્ત્રીય ગાયન) હનુમંત એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને આસ્થા ચેનલ તેમજ શ્રી ચિત્રકૂટધામની ઓફિસીયલ યુ ટ્યુબ ચેનલ પરથી લાઈવ પ્રસારિત કરવામાં આવશે.તેમ જયદેવભિઈ માંકડ

(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.

(1:51 PM IST)