<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

યુવા શક્તિ, પંચાયતની પ્રગતિ: ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન' અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાની સમયમર્યાદા લંબાવાઈ

લોગો ડિઝાઇન સ્પર્ધામાં તા. ૪ એપ્રિલ, ‘૬૦ સેકન્ડ ફોર માય વિલેજ’ રીલ્સ ચેલેન્જમાં તા. ૫ એપ્રિલ અને ઓનલાઇન ક્વિઝ સ્પર્ધામાં તા. ૭ એપ્રિલ, ૨૦૨૬ સુધી નોંધણી કરી શકાશે

ગાંધીનગર :ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને 'MY Bharat'ના સંયુક્ત ઉપક્રમે દેશવ્યાપી ડિજિટલ અભિયાન યુવા શક્તિ, પંચાયતની પ્રગતિ: ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન' હાલ સમગ્ર દેશમાં વેગ પકડી રહ્યું છે, ત્યારે યુવાનોનો ઉત્સાહ વધારવા અને મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત થાય તે હેતુથી સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
   આ અભિયાન અંતર્ગત MyGov પોર્ટલ પર લોગો ડિઝાઇન સ્પર્ધા તા. ૪ એપ્રિલ, ૨૦૨૬ સુધી તેમજ My Bharat પોર્ટલ પર ‘૬૦ સેકન્ડ ફોર માય વિલેજ’ રીલ્સ ચેલેન્જ તા. ૫ એપ્રિલ અને ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા તા. ૭ એપ્રિલ, ૨૦૨૬ સુધી સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આ સ્પર્ધાઓની સમયમર્યાદા અગાઉ અનુક્રમે તા. ૨૦, ૨૧ અને ૨૩ માર્ચ, ૨૦૨૬ સુધીની નક્કી કરવામાં આવી હતી.
“વિકસિત ભારત-જી રામ જી – યુવા શક્તિ, પંચાયતની પ્રગતિ”ના સૂત્ર સાથે શરૂ કરાયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનોને ગ્રામીણ વિકાસ સાથે જોડી તેમને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનાવવાનો છે. આ અભિયાન દ્વારા યુવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત @૨૦૪૭'ના વિઝનને સાકાર કરવા માટે ગ્રામીણ સ્તરે થઈ રહેલા પરિવર્તનને સમજે અને પોતાની ડિજિટલ કુશળતા દ્વારા તેને વ્યક્ત કરે તેવો પ્રયાસ છે.
સ્પર્ધાની વિગતો:
લોગો ડિઝાઇન: વિકસિત ભારત-જી રામ જી એક્ટ, ૨૦૨૫ના મિશનને જીવંત કરતો લોગો બનાવવાની તક.
વીડિયો ચેલેન્જ: પોતાના ગામની પ્રગતિ અને સુંદરતાને ૬૦ સેકન્ડની રીલ દ્વારા વિશ્વ સમક્ષ મૂકવાની તક.
ક્વિઝ: ગ્રામીણ કાયદાઓ અને વિકાસલક્ષી યોજનાઓ વિશે જ્ઞાન ચકાસવાની તક.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા તમામ ઉત્સાહી યુવાનો અને નાગરિકોને આ સોનેરી તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(6:50 PM IST)