તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 26th March 2026
મહેસૂલ વિભાગની ઘોર બેદરકારીના પરિણામે કરોડોની સ્ટેમ્પ ડયૂટીની આવક સરકારે ગુમાવી
કેગના અહેવાલમાં ઘટસ્ફોટ ...સ્ટેમ્પ ડ્યૂટીમાં નવી જંત્રીના બદલે જૂની જંત્રીના દરે વસૂલાત : ચિલ્ડ્રન યુનિવર્સિટી સહિત ત્રણ સંસ્થા પાસેથી લાખો ચો.મી. જમીનની ડ્યૂટી ન વસૂલાઇ

અમદાવાદ તા.૨૬: મહેસૂલ વિભાગ દ્વારા ઓનલાઇન સિસ્ટમ કરવામાં આવી હોવાના અને ચૂસ્ત વ્યવસ્થા ગોઠવી હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ સરકારને જે આવકનો મુખ્યસ્ત્રેત છે તેવા સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાતમાં મિલકતોના નીચા મૂલ્યાંકનના કારણે કરોડો રૂપિયાની ઓછી વસૂલાત થઇ હોવાનો કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે. આ ઉપરાંત જમીન રહેણાંક, ઔદ્યોગિક, વાણિજ્યિક, બહુહેતુક ઉપયોગ માટે અને નવી તેમજ પ્રતિબંધિત શરતની જમીનને જૂની શરતમાં રૂપાંતરિત કરવાના કેસની બાબતમાં ૧૭૩ કેસમાં ૫૫.૧૬ કરોડનું ઓછું પ્રીમિયમ વસૂલ કરવામાં આવ્યું હોવાની ગંભીર નોંધ પણ અહેવાલમાં લેવાઇ છે.
કેગના અહેવાલમાં જણાવ્યા મુજબ જંત્રીના દર ખોટા લાગુ કરવા અથવા વિસ્તાર અયોગ્ય રીતે ધ્યાને લેવાથી મિલકતના ઓછા મૂલ્યાંકનના કારણે ૧૨૬ દસ્તાવેજોમાં ૧૨.૧૮ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટીની ઓછી વસૂલાત થવા પામી છે. અધિક મુખ્ય સચિવ-ગાંધીનગરની કચેરીને લગતા કેસમાં પણ અયોગ્ય બાબત બહાર આવી હતી. જેમાં ત્રણ કેસમાં ૧૦,૨૫,૯૧૭ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નવી દિલ્હી, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર અને જવાહર નવોદય વિદ્યાલય-વડોદરાને ભોગવટાના દરે વસૂલાત-મહેસૂલ મુક્ત ફાળવવામાં આવી હતી. જો કે તેમાં મહેસૂલ અધિકારીઓએ આ કેસોમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત કરી ન હતી કે જમીનની ફાળવણીમાં તેમની પાસેથી સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત અંગે કઇ શરત દાખલ કરી હતી. તેના કારણે ૨૯.૯૭ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ગુમાવવાનો વારો આવ્યો હતો. આવી જ સ્થિતિ જંબુસરના ગામોમાં જીઆઇડીસીને અપાયેલી જમીનમાં, સાત જિલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય, નગરપાલિકા, ઉદ્યોગો, ટ્રસ્ટો અને સોસાયટીઓને આપેલી જમીનમાં પણ સર્જાઇ હતી. તેના કારણે કરોડોની સ્ટેમ્પ ડ્યૂટી ગુમાવવી પડી હતી.
બજાર કિંમતની ગણતરી કરતી વખતે વિસ્તાર ખોટી રીતે બનાવાયો હોય, વિવિધ પ્રકારની મિલકતોના મૂલ્યાંકનમાં જંત્રીની માર્ગદર્શિકાનું પાલન થયું ન હોય તેના કારણે પણ ઓછી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાત થઇ હોવાના અનેક કિસ્સા બન્યા હતા. વિભાગ દ્વારા સંબંધિત પક્ષને નોટિસ અપાઇ છે અને ડ્યૂટી જમા કરાવવા જાણ કરાઇ છે તેવા જવાબ કેગને અપાયા હતા.
૨૦૧૩થી ૨૦૨૩ દરમિયાન ૧૯ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા દસ્તાવેજોની ચકાસણી દરમિયાન ઓડિટમાં ધ્યાન પર એ બાબત આવી હતી કે ૧૨૬ દસ્તાવોજમાં ૧૨.૧૮ કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ઓછી વસૂલાઇ હતી. મિલકતની બજાર કિમત નક્કી કરતી વખતે જંત્રીના દર (૨૦૧૧) ખોટી રીતે વસૂલ કરવામાં આવ્યા હતા. એટલું નહીં કુલ ૧૫ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા ૭૨ દસ્તાવેજની તપાસમાં જણાયું હતું કે આ કેસમાં મિલકતની બજાર કિમત નક્કી કરવા અને સ્ટેમ્પ ડ્યૂટી વસૂલ કરવા માટે એપ્રિલ-૨૦૨૩થી અમલમાં આવેલા વધારેલા જંત્રીના દર લાગુ કરવા જરૂરી હતી તેમ છતાં આ કેસોમાં જૂના જંત્રીના દર લાગુ કરવામા આવ્યા હતા. તેના કારણે ૮.૭૦ કરોડની સ્ટેમ્પ ડ્યૂટીની ઓછી વસૂલાત થવા પામી હતી.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
