News of Friday, 27th March 2026
દર્દીઓના હિતમાં મોટો નિર્ણય ડોક્ટરો અને લેબોરેટરી માટે નવા નિયમો
રાજ્યની તમામ હોસ્પિટલો માટે રજીસ્ટ્રેશન ફરજિયાતઃ બોગસ અને લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી થશે : તબીબી ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવવા માટે ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અમેન્ડમેન્ટ બિલ પસાર

અમદાવાદ તા.૧૭: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તબીબી ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવવા માટે ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અમેન્ડમેન્ટ બિલ પસાર કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨ના મૂળ કાયદામાં મહત્વના સુધારા કરીને આ વિધેયક સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ચાલતી તમામ હોસ્પિટલ (Hospitals), લેબોરેટરી (Laboratories), દવાખાના અને બ્લડ બેંક (Blood Banks) પર સરકારી દેખરેખ વધારવાનો અને દર્દીઓને છેતરાતા બચાવવાનો છે. હવેથી નાની ક્લિનિક હોય કે મોટી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, દરેક માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે.
સરકાર દ્વારા આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક વિશેષ ઓનલાઈન પોર્ટલ (Online Portal) તૈયાર કરવામાં આવ્યું છે. તમામ તબીબી સંસ્થાઓએ પોતાની સંપૂર્ણ માહિતી આ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. અત્યાર સુધીમાં રાજ્યમાં આશરે ૪૧ લાખ (41 Lakh) જેટલા રજીસ્ટ્રેશન નોંધાઈ ચૂક્યા છે, જે આરોગ્ય ક્ષેત્રની વ્યાપકતા દર્શાવે છે. આ કાયદા હેઠળ દરેક હોસ્પિટલે પોતાનો રજીસ્ટ્રેશન નંબર (Registration Number) પ્રદર્શિત કરવો ફરજિયાત છે, જેથી સામાન્ય નાગરિક જાણી શકે કે સંસ્થા સરકાર માન્ય છે. સરકારની આ ઝુંબેશથી લેભાગુ અને બોગસ તબીબો (Bogus Doctors) સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નિયમોનું પાલન ન કરનાર સંસ્થાઓ સામે સરકાર કડક વલણ અપનાવશે. જો કોઈ સંસ્થા રજીસ્ટ્રેશન વગર કાર્યરત જણાશે, તો તેને શરૂઆતમાં ૩ નોટિસ (Notices) આપવામાં આવશે. ત્યારબાદ પણ નિયમ ભંગ ચાલુ રહેશે તો રૂ.૧૦ હજારથી લઈને રૂ.૧ લાખ (રૂા.1 Lakh) સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારે રજીસ્ટ્રેશન માટે રૂા.૧,૦૦૦ અને રૂા.૨,૦૦૦ની અલગ-અલગ ફી (Registration Fees) નિર્ધારિત કરી છે. વધુમાં, જે સંસ્થાઓએ હજુ સુધી પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તેમના માટે અંતિમ તારીખ લંબાવીને ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ (૧૨/૦૯/૨૦૨૬) કરવામાં આવી છે.
આ સુધારા વિધેયકથી સરકાર પાસે રાજ્યની તમામ આરોગ્ય સેવાઓનો સચોટ ડેટા (Health Data) ઉપલબ્ધ થશે. કઈ જગ્યાએ કેટલી હોસ્પિટલો છે, ત્યાં કેવા પ્રકારની સુવિધાઓ છે અને બ્લડ બેંકની સ્થિતિ શું છે, તેની તમામ વિગતો એક ક્લિક પર મળી રહેશે. આ પારદર્શકતાને કારણે ઇમરજન્સીના સમયે દર્દીઓને યોગ્ય સારવાર મેળવવામાં સરળતા રહેશે અને આરોગ્ય નીતિઓ બનાવવામાં સરકારને મદદ મળશે
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
