News of Friday, 27th March 2026
યુકો બેંક લોન કૌભાંડઃ તત્કાલીન મેનેજર સહિત ત્રણને ૫ વર્ષની કેદ
કોર્ટે ત્રણે આરોપીઓને રૂા.૭૨ લાખનો દંડ પણ ફટકાર્યો

અમદાવાદ તા.૨૭: ગાંધીનગરના ચિલોડા પાસે આવેલી યુકો બેંકમાં વર્ષ ૨૦૧૨-૧૩માં થયેલા લોન કૌભાંડ મામલે સીબીઆઈની ખાસ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે બેંકના પૂર્વ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને લોન લેનાર શખ્સને ગુનેગાર ઠરાવી ૫-૫ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ સાથે જ ત્રણેય આરોપીઓને કુલ રૂા.૭૨ લાખનો માતબર દંડ પણ કર્યો છે.
કેસની વિગતો મુજબ, યુકો બેંકની ચિલોડા શાખામાં ‘ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ' યોજના હેઠળ કોઈપણ ગેરંટી કે સિક્યોરિટી વિના નિયમો વિરુદ્ધ લોન આપવામાં આવી હતી. આ કૌભાંડમાં બેંકના અધિકારીઓએ લોન લેનાર સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું, જેના કારણે બેંકનું ખાતે NPA (Non-Performing Asset) થઈ ગયું હતું અને સરકારને કુલ રૂા.૫૨,૯૩,૮૨૮નું આર્થિક નુકસાન થયું હતું. આ મામલે સીબીઆઇએ બેંકના તત્કાલીન મેનેજર મેડમ ભગવતી પ્રસાદ, આસિ. મેનેજર ભાસ્કર રમેશચંદ્ર સોની અને વનરાજ એન્ટરપ્રાઇઝના વનરાજજી પ્રતાપજી સોલંકી સામે કેસ નોંધ્યો હતો.
કેસ ચાલવા પર આવતા ગિરીશ નારાયણ પાંડેએ દલીલ કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ જાહેર સેવક હોવા છતાં તેમણે પદનો દુરુપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, રૂા.૩૨ લાખના મૂળ નુકસાન પર જો ૧૩ વર્ષનું ૬% વ્યાજ ગણવામાં આવે તો તે રકમ રૂા.૫૩.૪ લાખ જેટલી થાય છે, જેની ભરપાઈ થાય તે જરૂરી છે. સમાજમાં દાખલો બેસાડવા અને જાહેર નાણાંની સુરક્ષા માટે આવી કડક સજા અનિવાર્ય છે. ૧૦ વર્ષ લાંબી ટ્રાયલ બાદ આ કેસમાં ત્રણએ આરોપીઓને પાંચ પાંચ વર્ષ કેદની સજા ફટકારી છે
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
