<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

જો દીકરી ફોન લઈને બાજુના રૂમમાં ધીમી વાત કરે તો શંકા કરજો,, સતર્ક રહેજો : આનંદીબેન પટેલની માં-બાપને ટકોર

પાટણમાં લેઉઆ પટેલ સમાજની સભામાં આનંદીબેન પટેલે કહ્યું કે તમારી જોડે બેઠેલી દીકરી ફોન આવે તો પછી બાજુના રૂમમાં જઈને વાત કરવા લાગે તો માતાપિતાએ ફક્ત ચોંકવાની નહીં ચેતવાની પણ જરૂર છે.

 

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું  હતું કે તમારી જોડે બેઠેલી દીકરી ફોન આવે તો પછી બાજુના રૂમમાં જઈને વાત કરવા લાગે તો માતાપિતાએ ફક્ત ચોંકવાની નહીં ચેતવાની પણ જરૂર છે. 

આ વાતને આધાર બનાવીને કંઈ દરેક દીકરી પર શંકા કરવાની જરૂર નથી, પણ આજે તમારી સમક્ષ ફોન પર દરેક સાથે વાત કરતી તમારી દીકરી પછી જયારે કોઈ ફોન આવવા લાગે ત્યારે બીજા રૂમમાં જઈ વાત કરવા લાગે ત્યારે સમજી લેવું જોઈએ કે જરૂર કશુંક રંધાઈ રહ્યું છે. અહીં કોઈ દીકરી પર ચોકીપહેરો રાખવાની કે તેના પર શંકા કરવાની વાત નથી પરંતુ માબાપે આ બાબતને એક ચેતવણીના સંકેત તરીકે જોવી જોઈએ. તેમણે સૌથી પહેલાં બીજું બધું નહીં પણ પોતાનો વ્યવહાર તપાસવો જોઈએ કે દીકરી સાથે આપણા વ્યવહારમાં ક્યાં ખામી રહી ગઈ છે. જો આ સમયે માબાપ ધ્યાન ન આપી શકે અને દીકરીના વ્યવહારમાં થયેલું પરિવર્તન પામી ન શકે તો પછી દીકરી જતી રહે તેની પાછળ રોવાનો કોઈ અર્થ નથી.

આમ સળંગ બીજા પાટીદાર આગેવાને અઠવાડિયાથી પણ ઓછા સમયમાં દીકરી પર નજર રાખવા માટે કરેલી ટકોરના પગલે કડવા પાટીદારથી લઈને લેઉઆ પટેલ સમાજમાં પણ ગણગણાટ વધી ગયો છે. આજે દીકરીને લઈને વાત એ હદ સુધી આગળ વધી છે કે પાટીદાર આગેવાનો પણ હવે દીકરી હાથમાંથી ન જવી જોઈએ તે વાત ઉચ્ચારી રહ્યા છે.

આ બધા પાટીદાર સમાજના આગેવાનોની વાતનો સૂર એવો નીકળી રહ્યો છે કે પાટીદાર દીકરી હાથમાંથી નીકળી રહી છે. દરેક પાટીદાર માબાપની ફરજ છે કે દીકરી હાથમાંથી નીકળી કઈ રીતે જાય તે જુએ. તેને કેળવણી જ એ રીતે આપે કે આવી કોઈ સ્થિતિનો સામનો કરવાનો જ ન આવે. આજે માબાપે દીકરીને એવી કેળવણી આપવી જોઈએ કે તે દરેક વાતચીત કરતી હોય તો દીકરી તેમની સામે જ કરે, હિન્દી ફિલ્મોમાં જે રીતે દીકરીને ફોનના રવાડે ગયેલી બતાવવામાં આવે છે તેનું બિલકુલ અનુસરણ ન કરે. તે ફિલ્મ છે, વાસ્તવિકતા અલગ જ બાબત છે.

(12:46 AM IST)