News of Saturday, 28th March 2026
અમદાવાદના અમરાઇવાડીમાં માતાના હાથમાંથી પુત્રી પડી જતા મોત
મોટર બંધ કરવા જતી વખતે માતાનો પગ લપસતા દુર્ઘટના

અમદાવાદ, તા. ર૮ : અમદાવાદના અમરાઈવાડીમાં અઢી માસની બાળકીનું પાણીના ટાંકામાં પડી જવાથી મોત થયું છે. પાણીની મોટર બંધ કરવા જતી વખતે માતાનો પગ લપસતા બાળકી હાથમાંથી સરકી ગઈ હતી. આ કરુણ ઘટના બાદ પિતાએ પત્નીની બેદરકારી બદલ તેની વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં આ ઘટના બની હતી. અઢી માસની બાળકીની માતા તેને તેડીને ઘરના કામકાજ કરી રહી હતી.
તે સમયે પાણીની મોટર ચાલુ હોવાથી ટાંકો ભરાઈ ગયો હતો. માતા જ્યારે મોટર બંધ કરવા માટે ટાંકા પાસે ગઈ, ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો. સંતુલન ગુમાવવાને કારણે તેના હાથમાં રહેલી માસૂમ બાળકી સીધી ખુલ્લા પાણીના ટાંકાની અંદર જઈ પડી હતી.
આ ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોકે, આ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે બાળકીના પિતાએ પોતાની પત્ની એટલે કે બાળકીની માતા વિરુદ્ધ જ અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પિતાનો આક્ષેપ છે કે માતાની બેદરકારીને કારણે તેમની વહાલી દીકરીએ જીવ ગુમાવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ નાનકડી બાળકીના મોતના સમાચાર વાયુવેગે અમરાઈવાડી વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. પાડોશીઓ અને સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે અરેરાટી જોવા મળી રહી છે. અઢી માસની ફૂલ જેવી બાળકીના આકસ્મિક નિધનથી સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં પોલીસ દ્વારા બાળકીના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
