તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
News of Saturday, 28th March 2026
નર્મદા પરિક્રમામાં ‘શ્રદ્ધા’ પર ‘ટેકનોલોજી’નું ગ્રહણ: ઓનલાઈન રજિસ્ટ્રેશનના ફતવા સામે ભક્તોનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ
વહીવટી તંત્રના મનસ્વી નિર્ણયથી પરિક્રમાવાસીઓમાં ભારે રોષ: સ્માર્ટફોન વગરના વૃદ્ધો અને ગ્રામીણ ભક્તો મુકાયા મુશ્કેલીમાં, મણીનાગેશ્વર પાસે ભક્તો ધરણા પર બેઠા

રાજપીપળા:નર્મદા મૈયાની ગોદમાં પરંપરાગત રીતે યોજાતી પંચકોશી પરિક્રમામાં આ વર્ષે ભક્તિના માર્ગમાં વહીવટી તંત્ર દ્વારા ‘નિયમોના અવરોધ’ ઉભા કરવામાં આવ્યા છે. વધતી જતી ભીડને કાબૂમાં લેવાના બહાને તંત્રએ ‘ઓનલાઈન રજિસ્ટ્રેશન’ ફરજિયાત બનાવતા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. રજિસ્ટ્રેશન વગર આવેલા ભક્તોને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે અને અનેક સ્થળોએ પોલીસ તથા જનતા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે.
ડિજિટલ ફતવો શ્રદ્ધાળુઓ માટે આફત સમાન
જિલ્લા વહીવટી તંત્રના આ નવા નિયમે ખાસ કરીને ગ્રામીણ અને વૃદ્ધ ભક્તોની કમર તોડી નાખી છે:
• એન્ડ્રોઇડ ફોનનો અભાવ: પરિક્રમામાં આવતા ઘણા વૃદ્ધો અને મહિલાઓ પાસે સ્માર્ટફોન નથી અથવા તેમને ઓનલાઈન ફોર્મ ભરવાની જટિલ પ્રક્રિયા સમજાતી નથી.
• સેવાકીય પ્રવૃત્તિમાં અવરોધ: પ્રસિદ્ધ મણીનાગેશ્વર મંદિર પાસે ૨૪ કલાક ચાલતા ભંડારામાં સેવા આપવા જતા સ્વયંસેવકો પાસે પણ રજિસ્ટ્રેશન માંગવામાં આવતા વિવાદ વકર્યો છે. સેવાભાવી સંસ્થાઓની માંગ છે કે કાયમી સ્વયંસેવકોને ખાસ ID કાર્ડ આપવામાં આવે.
• ભક્તોની ધરણા: પોલીસ દ્વારા વારંવાર અટકાવવામાં આવતા ભક્તો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા છે, જેના કારણે ટ્રાફિક અને સુરક્ષાની નવી સમસ્યાઓ ઉભી થઈ છે.
કુંભમેળામાં છૂટ તો નર્મદામાં કેમ ‘ઓનલાઈન’ લૂંટ?
ભક્તોમાં અત્યારે એ વાતની ઉગ્ર ચર્ચા છે કે જો કરોડોની મેદની ધરાવતા કુંભમેળામાં કોઈ પણ પ્રકારનું ફરજિયાત રજિસ્ટ્રેશન હોતું નથી, તો પછી નર્મદા પરિક્રમા જેવી શાંતિપૂર્ણ યાત્રામાં જ કેમ આવા કડક નિયમો? શ્રદ્ધાળુઓનું માનવું છે કે તંત્ર પોતાની વ્યવસ્થા જાળવવાની નિષ્ફળતા છુપાવવા માટે ભક્તો પર આવા બોજ લાદી રહ્યું છે. આ મામલે આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ પણ ભક્તોના સમર્થનમાં ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે.
પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
પોલીસના ડર અને રજિસ્ટ્રેશનના ટેન્શનને કારણે આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાની જે યાત્રામાં મન શાંત હોવું જોઈએ, ત્યાં હવે ભક્તો કાયદાકીય ગૂંચવણોમાં અટવાઈ રહ્યા છે. જો તંત્ર આગામી દિવસોમાં આ નિયમોમાં છૂટછાટ નહીં આપે, તો આ આસ્થાનો વિરોધ વધુ ઉગ્ર બની શકે છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
