News of Monday, 30th March 2026
તસ્કરોએ તો હવે હદ કરીઃ દવાખાનામાં ચોરીઓ કરવા લાગ્યા
ફેબ્રુઆરી અને માર્ચમાં બે દવાખાનામાં ચોરીના બનાવ - જુદી-જુદી બે ઘરફોડ ચોરીની પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ તા.૩૦: શહેરના કાગડાપીઠ વિસ્તારમાં છાશવારે રિક્ષા પેસેન્જરના સામાનની ચોરીના બનાવ તો નોંધાતા રહેતા હતા ત્યારે હવે આ જ વિસ્તારમાં આવેલી બે હોસ્પિટલમાં તસ્કરોએ ચોરી કરી છે. કાંકરિયા વિસ્તારમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બે ડોક્ટરના ક્લિનિકમાં તસ્કરો ત્રાટક્યા અને કુલ રૂ.૭૬૮૦૦ની ચોરી કરી હતી. આ મામલે કાગડાપીઠ પોલીસે ઘરફોડ ચોરીની બે ફરિયાદ નોંધી છે.
બનાવ-૧: કાંકરિયા ગોરધનવાડીના ચાર રસ્તા નજીક અમન ડાયગ્નોસ્ટિક સેન્ટર ચલાવતા ડોક્ટરના દવાખાનામાં ગત ૧૭ ફેબ્રુઆરીએ ડોક્ટર ક્લિનિક બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે રાબેતા મુજબ ડોક્ટર દવાખાને આવવા નીકળ્યા ત્યારે ક્લિનિકમાં સફાઈનું કામ કરતા રેખા બહેનેએ ડોક્ટરને ફોન ફોન કર્યો હતો કે આપણા ક્લિનિકની સ્લાઈડીંગની બારી ખૂલ્લી છે. ક્લિનિકના કબાટના દરવાજા પણ ખૂલ્લા છે. તેમાં રહેલો સામાન પણ વેરવિખેર છે. ડોક્ટર દવાખાને પહોંચ્યા ત્યારે જોયું તો ડ્રોઅરમાં મૂકેલા દર્દીઓના આવેલી કન્સલટીંગ ફીના રોકડા રૂ. ૬૦ હજાર તથા ચાંદીના ૧૦ ગ્રામના બે સિક્કા મળી કુલ રૂ.૬૮૦૦૦ની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ મામલે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ-૨: ગત ૧૫ માર્ચે કાંકરિયા લીટલ સ્ટાર સ્કૂલની સામે પારગરા મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકને બંધ કરીને ડોક્ટર ઘરે ગયા હતા. બીજા દિવસે ક્લિનિક પર આવવાની તૈયારી કરતા હતા ત્યારે ક્લિનિકમાં કામ કરતા બહેનનો ફોન આવ્યો કે હોસ્પિટલની બાજુની દીવાલથી તસ્કરો ક્લિનિકમાં પ્રવેશ્યા અને તમારી કેબિનની બાજુમાં આવેલી બારીનું લોક તોડીને કેબિનમાં પ્રવેશ્યા હતા. અંદર રહેલો સમાન પણ વેરવિખેર હાલતમાં છે. ડોક્ટરે ત્યાં પહોંચીને જોયું તો કેબિનમાં મંદિરમાં મૂકેલી ગણેશ ભગવાનની ચાંદીની મૂર્તિ તથા બ્રાન્ડેડ ઘડિયાળ તથા ડ્રોઅરમાં મૂકેલા રોકડા રૂપિયા સહિત કુલ. રૂ.૮,૮૦૦ની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ડોક્ટરના પિતાએ કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
