News of Monday, 30th March 2026
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના મુસાફરો માટે મહત્વના સમાચાર : ૩૧ જાન્યુઆરીએ કોટેશ્વર રોડથી GNLU અને ઇન્ફોસિટીથી મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો સેવા આંશિક સમય માટે બંધ રહેશે
મેટ્રોના શિડ્યુલમાં ફેરફાર : અમુક ટ્રેનો ટૂંકાવવામાં આવી તો અમુક ટ્રેનો રદ કરાઈ : APMC-કોટેશ્વર રોડ અને વસ્ત્રાલ-થલતેજ રૂટ પર સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે

અમદાવાદ: અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન સેવાઓમાં આગામી તારીખ ૩૧-૦૧-૨૦૨૬ના રોજ આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે. મેટ્રો રેલના સત્તાવાર સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, ટેકનિકલ અથવા અન્ય કારણોસર નિર્ધારિત સમયગાળા દરમિયાન અમુક સ્ટેશનો વચ્ચે મેટ્રો સેવાઓ કાર્યરત રહેશે નહીં. આ ફેરફારને કારણે મુસાફરોએ હાલાકી ન ભોગવવી પડે તે માટે અગાઉથી વિગતવાર સમયપત્રક જારી કરવામાં આવ્યું છે.
કોટેશ્વર રોડથી GNLU સેક્શનમાં ફેરફાર:
સવારે ૦૯:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન કોટેશ્વર રોડ થી GNLU વચ્ચે મેટ્રો સેવા બંધ રહેશે. આ ગાળામાં ટ્રેનોની સ્થિતિ નીચે મુજબ રહેશે:
* APMC થી મહાત્મા મંદિર/ગિફ્ટ સિટી: સવારે ૦૮:૫૯, ૦૯:૧૧, ૦૯:૨૩ અને ૦૯:૪૮ વાગ્યે ઉપડતી ટ્રેનો માત્ર કોટેશ્વર રોડ મેટ્રો સ્ટેશન સુધી જ ચાલશે.
* મહાત્મા મંદિર થી APMC: સવારે ૦૯:૧૩, ૦૯:૩૭ અને ૧૦:૦૧ વાગ્યે ઉપડતી ટ્રેનો માત્ર GNLU મેટ્રો સ્ટેશન સુધી જ દોડશે.
* ગિફ્ટ સિટી થી APMC: સવારે ૧૦:૧૮ વાગ્યે ઉપડતી ટ્રેન રદ કરવામાં આવી છે.
ઇન્ફોસિટી થી મહાત્મા મંદિર સેક્શનમાં ફેરફાર:
* બપોરના સમયે એટલે કે ૧૧:૩૦ થી ૧૨:૧૫ વાગ્યા દરમિયાન ઇન્ફોસિટી થી મહાત્મા મંદિર વચ્ચે સેવાઓ બંધ રહેશે:
* APMC થી મહાત્મા મંદિર: સવારે ૧૦:૩૬ અને ૧૦:૫૯ વાગ્યે ઉપડતી ટ્રેનો માત્ર ઇન્ફોસિટી મેટ્રો સ્ટેશન સુધી જ જશે.
* મહાત્મા મંદિર થી APMC: સવારે ૧૧:૩૮ અને બપોરે ૧૨:૦૩ વાગ્યે ઉપડતી ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે.
અન્ય રૂટની સેવાઓ યથાવત:
રાહતની વાત એ છે કે APMC થી કોટેશ્વર રોડ સુધીનો રૂટ તેમજ વસ્ત્રાલ ગામ થી થલતેજ ગામ કોરિડોર પરની મેટ્રો સેવાઓ પોતાના નિર્ધારિત સમય મુજબ રાબેતા મુજબ ચાલુ રહેશે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ સમયપત્રકને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે. મુસાફરો અને અન્ય પ્રવાસીઓએ આ ફેરફારની ખાસ નોંધ લેવી જેથી અંતિમ સમયે કોઈ મુશ્કેલી ન સર્જાય.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
