<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

અમદાવાદ શહેરના ૨૨ પોલીસ ઇન્સ્પેક્ટરોની સાગમટે બદલી : સી.આઈ.ડી. ક્રાઈમ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સહિત રાજ્યના વિવિધ એકમોમાં કરાયા કાર્યરત

પોલીસ કમિશનર જી.એસ. મલિકનો મહત્વનો આદેશ : વહીવટી કારણોસર અને જાહેર હિતમાં પી.આઈ. કક્ષાના અધિકારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી નવી નિમણૂકવાળા સ્થળે હાજર થવા સૂચના અપાઈ

રાજકોટ:અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૨૨ જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જારી કરાયેલા આ આદેશ અનુસાર, રાજ્ય પોલીસ વડાની કચેરીના અગાઉના નિર્દેશોને ધ્યાને રાખીને આ ફેરફાર કરવામાં આવ્યા છે. બદલી પામેલા તમામ અધિકારીઓને ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ કચેરી સમય બાદ તાત્કાલિક અસરથી છૂટા કરી, રજા ભોગવ્યા સિવાય કે કોઈ પણ પ્રકારના બેક રેફરન્સ વગર નવી જગ્યાએ હાજર થવા તાકીદ કરવામાં આવી છે.

બદલી પામેલા અધિકારીઓની વિગતવાર યાદી:
આ હુકમ અન્વયે શહેરના વિવિધ વિભાગોમાંથી અધિકારીઓને રાજ્યના અન્ય જિલ્લાઓ અને સ્પેશિયલ યુનિટ્સમાં મોકલવામાં આવ્યા છે:
 * કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એચ.એન.પટેલની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.
 * જી-ટ્રાફીકમાંથી વી.ડી.વાઘેલાને ભરૂચ અને એન-ટ્રાફીકમાંથી પી.એ.મારવાડાને પી.ટી.સી. જુનાગઢ ખાતે નિયુક્ત કરાયા છે.
 * કંટ્રોલ રૂમના પી.ટી. ચૌધરીને વડોદરા ગ્રામ્ય અને ડી.વી.હડાતને સાબરકાંઠા ખાતે મુકવામાં આવ્યા છે.
 * SC/ST Cell-1 ના જી.જે.રાવતને સી.આઈ.ડી. ક્રાઈમમાં અને વિશેષ શાખાના બી.એસ.સુથારને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં બદલી અપાઈ છે.
 * બી-ટ્રાફીકના જે.એચ.ચૌધરીને જી.પી.એ. કરાઈ ખાતે મોકલાયા છે.
 * ટ્રાફીક (વહીવટ) ના કે.પી.સાગઠીયાને ઇન્ટેલીજન્સ વિભાગમાં અને એસ.જી.-૨ ટ્રાફીકના યુ.એચ.વસાવાને વડોદરા શહેર ખાતે મુકવામાં આવ્યા છે.
 * SC/ST Cell-2 ના પી.બી.ઝાલાને સી.આઈ.ડી. ક્રાઈમમાં અને ટ્રાફીક જે.સી.પી. રીડર એ.વાય.પટેલને પંચમહાલ ખાતે બદલવામાં આવ્યા છે.

સી.આઈ.ડી. ક્રાઈમ અને ઇન્ટેલીજન્સમાં મહત્વની નિમણૂકો:
વધુમાં, વિશેષ શાખાના નિલેશકુમાર નવજીભાઇ નિનામા, શહેર કોટડાના સુધાકર રાવાભાઇ (વસાવા) વળવી, રામોલના શ્રુતિ ધરમસિંહ દેસાઇ અને એલસીબી ઝોન-૭ ના યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાને સી.આઈ.ડી. ક્રાઈમમાં બદલી આપવામાં આવી છે. ચાંદખેડાના હાર્દિક મહેન્દ્રભાઈ આહિરને પણ સી.આઈ.ડી. ક્રાઈમ ખાતે કાર્યરત કરાયા છે.

સોલા પોલીસ સ્ટેશનના હિરેનસિંહ બલરામસિંહ ગઢવી અને કારંજ પોલીસ સ્ટેશનના કૌશર ગુલાબખાન જલવાણીને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં મોકલાયા છે. રીવરફ્રન્ટ વેસ્ટના કેતનકુમાર નરેન્દ્રભાઇ વાઘેલાને ઇન્ટેલીજન્સમાં, કંટ્રોલ રૂમના હરદિપસિંહ હરીસિંહ જાડેજાને સુરેન્દ્રનગર અને વટવા પોલીસ સ્ટેશનના અસ્મિતા વાલાભાઇ પિપરોતરને જામનગર ખાતે મુકવા હુકમ કરાયો છે.

આ તમામ બદલીઓ પૈકી મોટા ભાગની જાહેર હિતમાં કરવામાં આવી છે, જ્યારે અમુક અધિકારીઓની બદલી તેઓના પદર ખર્ચે (સ્વ-વિનંતીથી) કરવામાં આવી હોવાનું નોંધાયું છે. આ બદલીઓને કારણે ખાલી પડતી જગ્યાઓનો હવાલો સોંપવા માટે સંબંધિત નાયબ પોલીસ કમિશનર કે સંયુક્ત પોલીસ કમિશનરને આંતરિક વ્યવસ્થા કરવા પણ આદેશમાં જણાવાયું છે.

(10:57 PM IST)