News of Tuesday, 31st March 2026
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે સત્તાવાર તાલીમ કાર્યક્રમ જાહેર : રાજ્યભરના મ્યુનિસિપલ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને તમામ સ્ટાફની તાલીમ સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક આદેશ
ચૂંટણી અધિકારીઓથી લઈને મતગણતરી સ્ટાફ સુધીના તમામ કર્મચારીઓ માટે તાલીમનું સમયપત્રક અને મુખ્ય વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા : જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ દ્વારા કાયદો, વ્યવસ્થા અને ઈવીએમ સંચાલન સહિતની પ્રક્રિયાઓનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે

ગાંધીનગર:રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સત્તાવાર તાલીમ કાર્યક્રમ ૨૦૨૬ની જાહેરાત કરવામાં આવી છે. સચિવ આર. જી. ગોહિલ દ્વારા રાજ્યના તમામ શહેર અને જિલ્લા મ્યુનિસિપલ કમિશનર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરને આ અંગે લેખિત સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ આદેશ અનુસાર, જિલ્લા કક્ષાએથી નિયત સમયમર્યાદામાં અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપી તેનો સંકલિત રિપોર્ટ આયોગને મોકલવાનો રહેશે.
તાલીમનું સમયપત્રક અને વિવિધ સંવર્ગના અધિકારીઓ:
ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે વિવિધ સ્તરના અધિકારીઓ માટે અલગ-અલગ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે:
* નોડલ અધિકારી: સૌથી પ્રથમ ૩૦/૦૩/૨૦૨૬ સુધીમાં નોડલ અધિકારીઓની તાલીમ પૂર્ણ કરવાની રહેશે, જેમાં તેમની સત્તા અને જવાબદારીઓ પર ભાર મુકાશે.
* ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી: આ અધિકારીઓએ ૦૪/૦૪/૨૦૨૬ સુધીમાં તાલીમ મેળવવાની રહેશે. તેમને બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૯, ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ અને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ હેઠળની ચૂંટણી જોગવાઈઓનું શિક્ષણ અપાશે.
* ઉમેદવાર ચૂંટણી ખર્ચ દેખરેખ સ્ટાફ: ઉમેદવારોના ખર્ચ પર નજર રાખનાર સ્ટાફની તાલીમ ૦૬/૦૪/૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
* ઝોનલ અને મદદનીશ ઝોનલ અધિકારી: આ સ્ટાફ માટે ૧૦/૦૪/૨૦૨૬ સુધીની મુદત નક્કી કરાઈ છે, જેમાં મતદાન મથકોની વ્યવસ્થા અને સંવેદનશીલ મથકોની દેખરેખ અંગે માર્ગદર્શન અપાશે.
* પોલીંગ અને પોલીસ સ્ટાફ: પોલીસ સ્ટાફ માટે ૧૮/૦૪/૨૦૨૬ સુધીમાં તાલીમ યોજાશે. જ્યારે પોલીંગ સ્ટાફને ત્રણ તબક્કામાં (પ્રથમ: ૧૦/૦૪/૨૦૨૬, દ્વિતીય: ૧૬/૦૪/૨૦૨૬ અને ત્રીજી તાલીમ મતદાનના એક અઠવાડિયા પહેલા) તાલીમ આપવામાં આવશે.
મુખ્ય તાલીમ વિષયો અને જવાબદારીઓ:
તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર્સ દ્વારા મતદારયાદી, મતદાન મથકોની તૈયારી, ઉમેદવારી પત્રોની ચકાસણી, અને હરીફ ઉમેદવારોના પ્રતીકોની ફાળવણી જેવા ગંભીર વિષયો આવરી લેવામાં આવશે. આ ઉપરાંત, વીજાણું મતદાન યંત્રો (EVM) દ્વારા મતદાન, મોકપોલની પ્રક્રિયા, ગુપ્તતા જાળવવી અને આદર્શ આચાર સંહિતાના પાલન અંગે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.
મતદાન પૂર્ણ થયા બાદ ડિસ્પેચીંગ અને રીસીવિંગ સ્ટાફ તેમજ મતગણતરીના એક દિવસ પહેલા મતગણતરી સ્ટાફને ઈવીએમ અને પોસ્ટલ બેલેટની ગણતરી માટે સજ્જ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમની નકલ રાજ્ય ચૂંટણી કમિશનરના અગ્ર રહસ્ય સચિવ, સચિવના અંગત મદદનીશ, સંયુક્ત કમિશનર, નાયબ સચિવ અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓને રવાના કરવામાં આવી છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
