<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

આવી ગઇ કેસર કેરી! ૩૨૦૦ બોક્‍સની આવકઃ મણનો ભાવ ૪૨૦૦

જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ગીરની પ્રસિદ્ધ કેસર કેરીની આવક શરૂ : ભાવ ઘટયા અને ઉત્‍પાદન અડધું થતા ખેડૂતો આર્થિક સંકટમાં

અમદાવાદ,તા.૦૧: જૂનાગઢના માર્કેટિગ યાર્ડમાં ગીરની પ્રસિદ્ધ કેસર કેરીની આવક શરૂ થઈ છે. છેલ્‍લા એક અઠવાડિયામાં ૩૨૦૦ જેટલા બોક્‍સની આવક થઈ છે જેની સામે ૨૦ કિલોના ૧૦૦૦થી ૪૨૦૦ જેટલા ભાવ બોલાયા છે. પરંતુ આ વર્ષે કેરીના પાકે ખેડૂતોને નિરાશ કર્યા છે. કુદરતી આફતો, માવઠા અને પવનના કારણે ઉત્‍પાદન ઘટ્‍યું છે, સાથે જ બજારમાં મળતા ભાવ પણ અપેક્ષા મુજબ નથી, જેને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.

સ્‍વાદ પ્રેમી જનતા માટે સારા સમાચાર સામે આવ્‍યા છે. ગીરની પ્રસિદ્ધ કેસર કેરીની આવક જૂનાગઢની માર્કેટિગ યાર્ડમાં શરૂ થઈ ચૂકી છે. સીઝનની શરૂઆત ગત ૨૨ માર્ચથી થઈ છે. પ્રથમ દિવસે માત્ર ૫૮ બોક્‍સની આવક નોંધાઈ હતી, જ્‍યારે આજે કેસર કેરીના ૭૦૦થી વધુ બોક્‍સની આવક નોંધાઈ હતી જેના ભાવ આજે ૧૦૦૦થી ૧૭૦૦ સુધીના રહ્યા છે.

અત્‍યાર સુધીમાં કુલ ૩૨૦૦ જેટલા બોક્‍સની આવક થઈ છે. અને હજુ પણ આગામી દિવસોમાં જેમ જેમ કેરીની આવક વધશે તેમ ભાવ ઘટવાની સંભાવના છે. ૧૫ દિવસ બાદ કેરીની સીઝન પૂર જોશમાં શરૂ થશે. માર્કેટિગ યાર્ડમાં કેસર કેરીની આવક તો શરૂ થઈ ચૂકી છે પરંતુ ખેડૂત અને ઇજારેદારોમાં રોષ છે. ગીરના દેવગામના ખેડૂત જગદીશભાઈ ગોંડલિયાના જણાવ્‍યા મુજબ, ગયા વર્ષે પહેલા ઉતારામાં જ્‍યાં ૨૦૦ બોક્‍સ ઉતરતા હતા, ત્‍યાં આ વર્ષે માત્ર ૩૦ બોક્‍સ જ ઉતર્યા છે. ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે, ગયા વર્ષે ૧૭૦૦થી ૧૮૦૦ રૂપિયા મળતા હતા, જ્‍યારે હાલ ૧૧૦૦થી ૧૨૦૦ રૂપિયા જ મળી રહ્યા છે. આ વખતે કેરીમાં ભારે નુકસાની છે. જો આવી જ સ્‍થિતિ આગામી સમયમાં રહેશે તો ખેડૂતોને આંબાના બગીચા કાપવાનો વારો આવશે. માવઠા અને ખરાબ હવામાનના કારણે ઝાડ પરની નાની કેરીઓ ખરી ગઈ છે, જેના કારણે ઉત્‍પાદન અડધું થઈ ગયું છે. ૧૦૦૦ મણની આશા સામે માત્ર ૫૦૦ મણ જ કેરી મળી રહી છે.

વર્ષભર મહેનત અને અનેકવાર દવા છાંટ્‍યા બાદ પણ પૂરતું વળતર મળતું નથી અને તેમાં મજૂરી પણ નથી છૂટતી. સરકાર મદદ કરે તેવી આશા ખેડૂતોએ વ્‍યક્‍ત કરી છે.

ગીરની પ્રખ્‍યાત કેસર કેરી અત્‍યારે બજારમાં તો આવી રહી છે, પરંતુ તેની પાછળ ખેડૂતોનો પરસેવો અને અત્‍યારની આર્થિક તંગીની કથા છુપાયેલી છે. યોગ્‍ય ભાવ અને ઓછો ઉતારો ગીરના ખેડૂતો માટે આ વર્ષે પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે

(3:31 PM IST)