<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરેથી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું : વર્ષોની પરંપરા મુજબ સવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બાદ યાત્રાનો પ્રારંભ

મુખ્યમંત્રીએ હનુમાનજીદાદાના આશીર્વાદ લીધા અને રથનું પૂજન કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી : ગજરાજ, ઊંટગાડી, વિશાળ ગદા, ટ્રક ઉપરાંત ‘ઑપરેશન સિંદૂર’નો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા

અમદાવાદ તા.૧ : મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હનુમાનજીદાદાની પૂજા-અર્ચના કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

 

અમદાવાદના શાહીબાગ સ્થિત કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બાદ આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હનુમાનજીના રથની આરતી ઉતારી હતી અને ત્યાર બાદ શ્રીફળ વધેરીને શોભાયાત્રાના મુખ્ય રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે, શોભાયાત્રામાં ગજરાજ, ઊંટગાડી, વિવિધ ટ્રક, 'ઓપરેશન સિંદૂર'ના ટેબ્લો, વિશાળ ગદા, ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યાત્રાના રૂટ પર ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે કેમ્પ હનુમાન મંદિરના પ્રમુખ સુધીરભાઈ નાણાવટી, એડીસી બૅન્કના ચેરમેન અજયભાઈ પટેલ, મંદિરના અન્ય ટ્રસ્ટીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 PM IST)