<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

જમીન-મિલકતના સોદામાં ૩૦ દિવસની નોટિસમાંથી મુક્તિ આપતો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : વેચાણ દસ્તાવેજની એન્ટ્રી તે જ દિવસે 'પાકી' થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૧૩૫-Dમાં ક્રાંતિકારી સુધારો : બિનવિવાદાસ્પદ કિસ્સામાં ત્વરિત નોંધ પ્રમાણિત કરાશે : તપાસ જરૂરી હોય તેવા કેસોમાં પણ સમયગાળો ૩૦ દિવસથી ઘટાડી માત્ર ૭ દિવસ કરાયો

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા મહેસૂલ તંત્રમાં પ્રવર્તતી જટિલતાઓ દૂર કરવા અને સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે એક સાહસિક અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯” ની કલમ ૧૩૫-Dની જોગવાઈમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી હવે જમીન કે મિલકતના કાયદેસરના વ્યવહારોમાં નાગરિકોએ ૩૦ દિવસ સુધી નોટિસના સમયગાળાની રાહ જોવી પડશે નહીં.

વિવાદ વગરના કિસ્સામાં ત્વરિત અમલ:
નવા સુધારા મુજબ, જો જમીનના રેકોર્ડ પર છેલ્લા એક વર્ષથી કોઈ ફેરફાર ન હોય, કોઈ લિટીગેશન કે દાવો પડતર ન હોય અને ૭/૧૨ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય, તેવા કિસ્સામાં ૧૩૫-Dની નોટિસ બજવવાની પ્રક્રિયા વગર જ તે જ દિવસે વેચાણની નોંધ પ્રમાણિત કરીને 'પાકી એન્ટ્રી' કરવામાં આવશે. આ ઉપરાંત, સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલના હુકમોની નોંધ વખતે પણ હવે કોઈ નોટિસ આપવાની રહેશે નહીં, તેની સીધી જ અમલાવારી કરવામાં આવશે.

બ્લેકમેલિંગ અને ખોટા વાંધા-વચકા પર લાગશે લગામ:
અત્યાર સુધી ૩૦ દિવસની ફરજિયાત નોટિસના ગાળાનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો ખોટા વાંધા ઉઠાવીને ખરીદનાર કે વેચનાર પાસેથી નાણાં પડાવતા હતા. મિલકતના ભાવ વધતા જૂના બાનાખતના આધારે થતું બ્લેકમેલિંગ હવે બંધ થશે. આ સુધારાથી રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા અંદાજે ૫૦,૦૦૦ જેટલા કેસોનો ઝડપી નિકાલ આવશે, જે માત્ર ૧૩૫-Dના વાંધાને લીધે પેન્ડિંગ હતા.

તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં પણ સમયમાં ઘટાડો:
જો જમીનનું વેચાણ પાવર ઓફ એટર્ની (PoA) દ્વારા થયું હોય, એક વર્ષમાં રેકોર્ડમાં ફેરફાર થયો હોય કે તમામ વ્યક્તિઓની સહી ન હોય તેવા કિસ્સામાં, જ્યાં તપાસ જરૂરી છે ત્યાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરવામાં આવ્યો છે. આ ૭ દિવસમાં સાચા હકદારો પોતાના આધાર-પુરાવા રજૂ કરી શકશે.

સામાન્ય જનતા અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ:
મંત્રીએ ઉમેર્યું હતું કે આ સુધારો માત્ર ખેતીની જમીન જ નહીં, પરંતુ ફ્લેટ, દુકાન અને રહેણાંકના મકાનો રાખતી સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. સીધી લીટીના વારસદારો વચ્ચે થતી તબદીલીમાં પણ હવે બિનજરૂરી હેરાનગતિ બંધ થશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી મહેસૂલી પ્રક્રિયા વધુ પારદર્શક અને સમયબદ્ધ બનશે, જેનાથી લાખો નાગરિકો નિર્ભય થઈને મિલકતના વ્યવહારો કરી શકશે.

(4:24 PM IST)