તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Thursday, 2nd April 2026
પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં ૧૦.૯૯ લાખ આવાસ મંજુર
સંસદમાં નરહરિ અમીનને કેન્દ્રીય પ્રધાનનો જવાબ

રાજકોટ, તા. રઃ શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) દ્વારા ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા કેટલી છે અંગે પ્રશ્ન પૂછતા જવાબમાં આવાસ અને શહેરી બાબતોનાં રાજ્યમંત્રી શ્રી તોખાન સાહુજીએ ગુજરાતનાં શહેરો અને ટાઉનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજૂર કરેલ અને ફાળવેલ આવાસોની આંકડાકીય માહિતી સાથેનાં વિગતવાર જવાબ આપતાં જણાવ્યુ હતું કે,
આવાસ અને શહેરી બાબતો મંત્રાલય તા.૨૫/૦૬/૨૦૧૫ થી પ્રધાનમંત્રી આવાસ યોજના-(શહેરી)નો અમલ કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય દેશભરના પાત્રતા ધરાવતા તમામ શહેરી લાભાર્થીઓને પાયાની નાગરિક સુવિધાઓ સાથેના ‘ઓલ વેધર' પાકા મકાનો પૂરા પાડવાનો છે. નિર્માણાધીન મકાનો પૂર્ણ કરવા અને તેનાં માટે જરૂરી ફંડ રિલીઝ કરવા માટે યોજનાનો સમયગાળો તા.૩૦/૦૯/૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યો છે.
આ યોજનાનાં અમલીકરણમાં થયેલ અનુભવોના આધારે, યોજનાને ફરીથી સુધારી છે અને આગામી પાંચ વર્ષમાં ૧ કરોડ વધારાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સપોર્ટ કરવા માટે દેશભરના શહેરી વિસ્તારોમાં અમલીકરણ માટે તા.૦૧/૦૯/૨૦૨૪ થી યોજનાનો બીજો તબક્કો ૨.૦ ‘બધા માટે આવાસ' મિશન શરૂ કર્યું છે. યોજનાનો બીજો તબક્કો, (૧) લાભાર્થી કેન્દ્રિત બાંધકામ, (૨) ભાગીદારીમાં અકોર્ડેબલ આવાસ, (૩) અકોર્ડેબલ ભાડાકીય આવાસ અને (૪) વ્યાજ સબસિડી યોજના એમ ચાર કેટેગરીમાં લાગુ થઈ રહ્યો છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા રજૂ કરાયેલી પ્રોજેક્ટ દરખાસ્તોના આધારે, મંત્રાલય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૨૫.૧૫ લાખ આવાસોની મંજૂરી આપવામાં આવી છે, જેમાં બીજા તબક્કા અંતર્ગત ૧૩.૬૭ લાખ આવાસનો સમાવેશ થાય છે. ૧૨૫.૧૫ લાખ મંજૂર થયેલા આવાસો માંથી, ૧૧૬.૫૭ લાખ આવાસો તૈયાર થઇ ગયા છે અને ૯૭.૩૦ લાખ આવાસ તા.૦૨-૦૩-૨૦૨૬ સુધીમાં દેશભરમાં લાભાર્થીઓને વિતરીત કરવામાં આવ્યા છે. ઉપરાંત ગુજરાતનાં ૨૧૫ શહેરો અને ટાઉન વાઈસ મંજૂર કરેલ, તૈયાર થઇ ગયેલ અને પૂર્ણ થયા પછી ફાળવવામાં આવેલ આવાસોની વિગતવાર આંકડાકીય માહિતી આપતાં તેઓશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં, શહેરી આવાસ યોજના અને તેનાં બીજા તબક્કા હેઠળ કુલ ૧૦.૯૯ લાખ આવાસને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ૧૦.૦૯ લાખ આવાસ તૈયાર થઈ ગયા છે અને ૯.૭૫ લાખ આવાસ પૂર્ણ થઈને લાભાર્થીઓને વિતરિત કરવામાં આવ્યા છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
