News of Thursday, 2nd April 2026
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું
હોસ્ટેલમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રાથમિક સુવિધાઓના અભાવને પગલે વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની હોસ્ટેલમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રાથમિક સુવિધાઓના અભાવને પગલે વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.
હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. આ ઉપરાંત, હોસ્ટેલની ઇમારતની દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જે કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે તેમ છે. આ ખતરાની જાણ હોવા છતાં યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવતું નથી. પોતાની માંગણીઓને વાચા આપવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સીધા જ કુલપતિ (VC) ની કેબિનની બહાર એકત્ર થયા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ મામલે ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રારે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં રહેલા ટ્યુબવેલ બંધ થઈ જવાને કારણે પાણીની સમસ્યા સર્જાઈ હતી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે, એક-બે કલાકમાં જ પાણીની વ્યવસ્થા પૂર્વવત થઈ જશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, વિદ્યાર્થીઓની સુવિધા માટે એક નવો ત્રીજો ટ્યુબવેલ બનાવવાનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જે સાત-આઠ દિવસમાં પૂર્ણ થઈ જશે. જોકે, વિદ્યાર્થીઓ હવે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
