<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

સુરત જિલ્લાની પોલીસમાં આંતરિક ફેરબદલ, બદલી થઈને આવેલા 8 PI ને નિમણૂક

માંગરોળ, કોસંબા, એસઓજી, માંડવી સહિતના મથકોએ નવા અધિકારીઓ કાર્યભાર સંભાળશે:સુરત ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેવી અપેક્ષા

સુરત ગ્રામ્ય પોલીસ બેડામાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મોટા પાયે આંતરિક ફેરબદલ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગાંધીનગરના આદેશ અન્વયે સુરત ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા જિલ્લામાં હાજર થયેલા 8 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ને તાત્કાલિક અસરથી વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાં નિમણૂક આપતા હુકમ જારી કરવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર, પશ્ચિમ રેલ્વે અમદાવાદથી બદલી થઈને આવેલા પી.એમ. દેસાઈને માંગરોળ ખાતે નિમણૂક આપવામાં આવી છે. જામનગરથી આવેલા એ.કે. પટેલને મહુવા પોલીસ સ્ટેશન અને મહીસાગરથી બદલી પામેલા જે.એસ. વળવીને માંડવી પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત, દાહોદથી બદલી થઈને આવેલા એમ.આઈ. ચૌધરીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં મૂકવામાં આવ્યા છે. વલસાડથી આવેલા એ.જે. રાણાને કોસંબા ખાતે અને ગાંધીનગરથી સુરત ગ્રામ્યમાં બદલી પામેલા એલ.ડી. ઓડેદરાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તાપી જિલ્લામાંથી બદલી પામેલા એન.જી. પાંચાણી અને નવસારીથી આવેલા પી.વાય. ચિતેને હાલ લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. જોકે, નિમણૂકની સાથે સાથે વહીવટી સરળતા માટે કેટલાક અધિકારીઓને વધારાના ચાર્જ પણ સોંપવામાં આવ્યા છે. એન.જી. પાંચાણી આગામી હુકમ સુધી પે-રોલ ફર્લો યુનિટનો વધારાનો ચાર્જ સંભાળશે.

એમ.આઈ. ચૌધરીને IUCAW યુનિટનો હવાલો સોંપાયો છે. એ.જે. રાણા કોસંબાની સાથે પાલોદ પોલીસ સ્ટેશનનો પણ વધારાનો ચાર્જ સંભાળશે. પી.વાય. ચિતેને એસપી કચેરીની રીડર શાખાની કામગીરી સોંપવામાં આવી છે, જેના પગલે ડી.એલ. ખાચરને રીડર શાખાના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

વધુમાં, ઓલપાડના પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આગામી હુકમ સુધી કીમ પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સંભાળવા આદેશ કરાયો છે. પોલીસ અધિક્ષક દ્વારા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નિયત સ્થળે હાજર થઈ જાણ કરવા સૂચના આપવામાં આવી છે. આ ફેરબદલથી સુરત ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

(11:29 AM IST)