<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

અમદાવાદમાં IPL 2026 ના જંગ માટે ટ્રાફિક જાહેરનામું : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસના રસ્તાઓ પ્રતિબંધિત : પોલીસ કમિશનર જી.એસ.મલિકનો આદેશ

​ગુજરાત ટાઇટન્સની સાત મેચો દરમિયાન જનપથ ટી થી મોટેરા ગામ સુધીના માર્ગો પર વાહનોની અવર-જવર પર મનાઈ : જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ થશે કડક કાર્યવાહી

​અમદાવાદ: ​અમદાવાદના મોટેરા સ્થિત 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' ખાતે આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની વિવિધ ક્રિકેટ મેચો રમાનાર છે. આ આયોજન દરમિયાન સ્ટેડિયમ ખાતે ઉમટી પડતા VVIP, ખેલાડીઓ, સેલિબ્રિટીઓ અને હજારો દર્શકોની ભીડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા તેમજ માર્ગ અકસ્માતો નિવારવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (બી) (સી) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રતિબંધો અમલી બનાવ્યા છે.

​મેચનું સમયપત્રક અને ટીમો:
સ્ટેડિયમ ખાતે કુલ સાત મેચો રમાશે, જેમાં (૧) ૪/૪/૨૦૨૬ ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s રાજસ્થાન રોયલ્સ, (૨) ૧૭/૪/૨૦૨૬ ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s કોલકત્તા નાઇટ રાયડર્સ, (૩) ૨૦/૪/૨૦૨૬ ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s મુંબઈ ઇન્ડિયન્સ, (૪) ૨૬/૪/૨૦૨૬ ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s ચેન્નાઈ સુપર કિંગ્સ, (૫) ૩૦/૪/૨૦૨૬ ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, (૬) ૩/૫/૨૦૨૬ ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s પંજાબ કિંગ્સ અને (૭) ૧૨/૫/૨૦૨૬ ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે.

​પ્રતિબંધિત માર્ગો અને ડાયવર્ઝન:
જાહેરનામા મુજબ, જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો આવતો-જતો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે વાહનચાલકો તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટી થી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

​જાહેરનામાની અમલવારી અને શિક્ષાત્મક જોગવાઈ:
આ જાહેરનામું મેચના દિવસે બપોરના ૧૪.૦૦ કલાકથી રાત્રિના ૨૪.૦૦ કલાક સુધી અને ત્યારબાદ રાત્રિના ૦૦.૦૦ થી ૦૨.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. ૧૨મી મેના રોજ રમાનારી મેચ માટે સવારના ૧૧.૦૦ કલાકથી અમલવારી થશે. આ હુકમનો ભંગ કરનાર ઇસમ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. જોકે, ક્રિકેટ મેચ સાથે સંકળાયેલા વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સ્થાનિક રહીશોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

(2:09 PM IST)