News of Friday, 3rd April 2026
મહેસાણાના કડીના કાસ્વા ગામે પ્રેમલગ્નની અદાવતમાં હિંસક હુમલો : યુવતીના બંને પગ પર તલવારના ઘા ઝીક્યાં : સાસુ-જેઠાણીને માર માર્યો
યુવતી પર તેના જ સગા મોટાબાપા અને અન્ય એક શખસ દ્વારા ધોળા દિવસે જીવલેણ હુમલો કરવાની ચકચારી

મહેસાણાના કડીના કાસ્વા ગામે પ્રેમલગ્નની અદાવતમાં હિંસક હુમલાની ઘટના નોંધાઈ છે. યુવતીના મોટાબાપાએ વાળ પકડી લાકડાના ધોકાથી માર માર્યો હતો. સાથે આવેલા શખ્સે યુવતીના બંને પગ પર તલવારના ઘા ઝીંક્યા. યુવતીને બચાવવા જનાર સાસુ અને જેઠાણીને ધક્કો મારી નીચે પાડ્યા. જાનથી મારી નાખવાની ધમકી આપીને બંને આરોપી ફરાર થઈ ગયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને કડી હોસ્પિટલ ખસેડાઈ છે. કડી પોલીસે 2 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કડી તાલુકાના કાસ્વા ગામમાં પ્રેમલગ્નની જૂની અદાવત રાખીને એક યુવતી પર તેના જ સગા મોટાબાપા અને અન્ય એક શખસ દ્વારા ધોળા દિવસે જીવલેણ હુમલો કરવાની ચકચારી ઘટના બની છે. હુમલાખોરોએ યુવતીને વાળ પકડી ઢસડી, લાકડાના ધોકાથી ફટકારી અને ત્યારબાદ તલવારના ઘા ઝીંકી દીધા હતા .
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, કાસ્વા ગામના ઠાકોર વાસમાં રહેતા ગીતાબેન મકવાણાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમના નાના દીકરા સોહિલે ગામમાં જ રહેતા નટવરલાલ પટેલની પુત્રી પ્રાચી સાથે પ્રેમ સંબંધ હોવાથી ગત 28/06/25ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ આ યુગલ અમદાવાદ રહેવા ગયું હતું, પરંતુ છેલ્લા 5 મહિનાથી તેઓ કાસ્વા પરત ફરી પરિવાર સાથે રહેતા હતા. પ્રાચીના મોટાબાપા, બિપિન નટવરલાલ પટેલ, આ લગ્નથી નારાજ હતા અને મનમાં અદાવત રાખતા હતા.
ઘટનાના દિવસે ગીતાબેન, તેમની પુત્રવધૂ પાયલ અને પ્રાચી પોતાની દુકાન પાસે સાડીઓ વેચી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બિપિન પટેલ અને રમેશ ઉર્ફે ડેની નાડીયા ત્યાં ધસી આવ્યા હતા. બિપિન પટેલે જૂની અદાવતમાં પ્રાચીના વાળ પકડી તેને નીચે પાડી ઢસડી હતી અને લાકડાના ધોકા વડે બરડાના ભાગે આડેધડ માર માર્યો હતો.
બચાવવા વચ્ચે પડેલા ગીતાબેન અને પાયલને ધક્કો મારી પછાડી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન રમેશ ઉર્ફે ડેનીએ તેની પાસે રહેલી ખુલ્લી તલવાર વડે પ્રાચીના બંને પગના સાંથળના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા. હુમલો કર્યા બાદ બંને શખસોએ "તારા દીકરાને સમજાવી દેજો, નહીં તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
