News of Friday, 3rd April 2026
અમદાવાદ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીમાં ઔવેસીની એન્ટ્રીથી રાજકીય ગરમાવો:કાલે ખાનપુરમાં યોજાશે જાહેર સભા
ગત ચૂંટણીમાં માત્ર 4 વોર્ડમાં લડીને 7 બેઠકો જીતનાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી આ વખતે 12 વોર્ડમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવા માટે સંપૂર્ણ તૈયારીમાં

અમદાવાદ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીને લઈને AIMIMની સક્રિય એન્ટ્રીથી રાજકીય ગરમાવો વધ્યો છે.ગત ચૂંટણીમાં માત્ર 4 વોર્ડમાં લડીને 7 બેઠકો જીતનાર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી આ વખતે 12 વોર્ડમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહી છે.
AIMIM દ્વારા લાંભા, વટવા, દાણીલીમડા, બહેરામપુરા, ખાડિયા, શાહપુર, દરિયાપુર, ગોમતીપુર-રખિયાલ, મકતમપુરા અને સરખેજ જેવા વિસ્તારોમાં ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ આવી પહોંચ્યા છે, જેનાથી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. આવતીકાલે ખાનપુર ખાતે યોજાનારી તેમની જાહેર સભા ચૂંટણી રણનીતિના ભાગરૂપે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, જ્યાંથી ઓવૈસી મોટો રાજકીય સંદેશ આપશે તે નિશ્ચિત છે.
આ સક્રિયતા સૌથી વધુ ચિંતા કોંગ્રેસ માટે પેદા કરી રહી છે. બંને પક્ષોના મતોનો આધાર સમાન હોવાથી, AIMIMની એન્ટ્રીથી મતવિભાજન થવાની પૂરી શક્યતા છે, જેનો સીધો ફાયદો વિરોધી પક્ષને મળી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે કે કોંગ્રેસના કેટલાક વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો AIMIMનો ખેસ ધારણ કરી શકે છે. જો આવું થશે તો કોંગ્રેસ માટે સ્થિતિ વધુ કપરી બની શકે છે.
AIMIM મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. ઓવૈસીની આ મુલાકાત અને ચૂંટણીમાં વધુ વોર્ડમાં લડવાનો નિર્ણય અમદાવાદના રાજકીય સમીકરણોમાં ચોક્કસપણે મોટો ઉલટફેર લાવી શકે છે. એકંદરે, AMCની આ ચૂંટણી હવે ત્રિપાંખિયા જંગ તરફ આગળ વધી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે, જેના કારણે આગામી દિવસોમાં રાજકીય પારો વધુ ઊંચકાય તે નક્કી છે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
