<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

કામદારનું મૃત્‍યુ નોકરીના કારણે ન થયું હોય તો વળતર માટે હકદાર નથી

ઈએસઆઈ એક્‍ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો : વળતર માટે કામદારનું મૃત્‍યુ નોકરી દરમિયાન થયેલી ઈજા કે બીમારીના લીધે થયું છે, તેવું પ્રસ્‍થાપિત કરવું જરૂરી

અમદાવાદ,તા.૦૪: ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્‍યું છે કે, જો કોઈ કામદારનું મૃત્‍યુ નોકરી કે રોજગારના કારણે તેમ જ રોજગાર દરમ્‍યાન ઉદ્વવતા વ્‍યસાયિક રોગ(બિમારી) ના કારણે થયુ ના હોય તો ઇએસઆઈ એકટ હેઠળ તેમના આશ્રિતોને નિર્ભરતા લાભો (વળતર) આપી શકાય નહી.

નોકરી દરમ્‍યાન હાર્ટ એટેકથી મૃત્‍યુ પામનાર એક કામદારની વિધવાને વળતર ચૂકવવા અંગેના ઈએસઆઈ કોર્ટના હુકમને જાસ્‍ટિસ જે.સી.દોશીએ ભૂલભરેલો અને અયોગ્‍ય ઠરાવી તેને રદબાતલ જાહેર કર્યો હતો. એટલે કે, કામદારનું મૃત્‍યુ નોકરી દરમ્‍યાન થયેલી ઇજા કે તેની લીધે થયેલી બિમારીની લીધે નીપજયુ છે તેવું પ્રસ્‍થાપિત કરવું જરૂરી બની રહે અને તો જ વળતર મળી શકે.

હાઈકોર્ટે વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રસ્‍તુત કેસમાં કામદારની વિધવા તરફથી નોકરી(રોજગાર) દરમિયાન અને રોજગાર દરમ્‍યાન ઉદ્વવતા વ્‍યવસાયિક રોગ (બિમારી) વચ્‍ચેના જોડાણને પુરવાર કરતા પુરાવા રજૂ કરવામાં નિષ્‍ફળ રહ્યા છે. કામદારની વિધવા દાવેદાર રોજગારથી ઈજા કે રોજગારમાંથી ઉદ્વવતી ઈજા અને તેના કારણે મૃત્‍યુની  બાબત પણ પ્રસ્‍થાપિત કરતા કોઈ પુરાવા રજૂ કરી શકયા નથી. આ સંજોગોમાં ઈએસઆઇ એકટ હેઠળ કામદારને કોઈ નિર્ભરતા લાભો મળી શકે નહીં.

કેસની વિગતો મુજબ, મૃતક રમણભાઈ શિવાભાઈ પટેલ ઇએસઆઈ કોર્પોરેશનના વીમા હેઠળ આરક્ષિત હતા અને તેઓ બજાજ પ્રોસેસર્સમાં ફીટર મીકેનીક તરીકે નોકરી કરતા હતા. ગત ૬ સપ્‍ટેમ્‍બર ૨૦૦૪ના રોજ મૃતક રમણભાઈ બીજી શિફટમાં કામ કરી રહ્યા હતા ત્‍યારે તેમની તબિયત અચાનક બગડી હતી અને ૪-૪૫ વાગ્‍યે તેમને છાતી અને પેટમાં દુઃખાવાની ફરિયાદ થતાં તેઓ વર્કિગ ડિપાર્ટમેન્‍ટના ખૂણામાં સૂઇ ગયા હતા.

તબિયત વધુ બગડી હોવાથી તેમને હોસ્‍પિટલમાં ખસેડાયા હતા., જયાં સાંજે ૬-૩૦ વાગ્‍યે ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં તેમનું પોસ્‍ટમોર્ટમ કરાતાં પીએમ રિપોર્ટમાં હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્‍યુ થયુ હોવાનું કારણ સામે આવ્‍યું હતું. બાદમાં મૃતક કામદારની વિધવા દ્વારા ઇએસઆઈ કોર્પોરેશનમાં વળતર માટે અરજી કરવામાં આવી હતી, જે નામંજૂર થતાં તેમણે ઇએસઆઈ કોર્ટમાં વળતર માટે અરજી કરી હતી., જે મંજૂર કરવામાં આવી હતી. જેથી વળતર મંજૂર કરતાં ઈએસઆઈ કોર્ટના હુકમ સામે ઇએસઆઈ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ફર્સ્‍ટ અપીલ દાખલ કરાઈ હતી.

આ વિધવાની કમનસીબી એ હતી કે મોટી રકમના પૈસા આપી મોટા ગજાના વકીલ રોકી શકે તો કાયદાનું અર્થઘટન અને વિશ્‍લેષણ એવી રીતે કરે કે તર્કબધ્‍ધ રીતે જસ્‍ટીસને સમજાવી શકે

(10:18 AM IST)