News of Saturday, 4th April 2026
કુદરતનો કેર : ભરઉનાળે અષાઢી માહોલ જામતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં માવઠાનો મારઃ જગતનો તાત ચિંતાતુર
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને વેરાવળ પંથકમાં એક ઈંચ વરસાદ ખાબકયોઃ ભાવનગર, ઘોઘા અને ખંભાળિયા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી રવિ પાકને વ્યાપક નુકસાનની ભીતિ વચ્ચે ઠંડીમાં થયો જોરદાર વધારો

રાજકોટ, તા.૪: ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ૨૪ કલાકમાં આવેલા ઓચિંતા પલટાએ સમગ્ર રાજ્યમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જી દીધી છે. ઉનાળાના આકરા તાપ વચ્ચ્ે કાળાડિબાંગ વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાએ અણધારી એન્ટ્રી કરતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. રાજ્યના કુલ ૨૮ થી વધુ તાલુકાઓમાં વગર ચોમાસે વરસાદી માહોલ જામતા ખેતીના પાક અને જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
કલ્યાણપુર અને વેરાવળમાં એક-એક ઈંચ વરસાદઃ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદની ભારે આફત જોવા મળી છે. કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે એક ઈંચ જેટલો વરસાદ ખાબકતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આવી જ સ્થિતિ ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ પંથકમાં પણ જોવા મળી હતી, જ્યાં એક ઈંચ માવઠું પડતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. અચાનક ત્રાટકેલા આ વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે.
ભાવનગર અને ખંભાળિયા પંથકમાં અડધો ઈંચ માવઠું: વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભાવનગર શહેર અને તેના ગ્રામ્ય પંથકમાં પણ મેઘાની સવારી આવી પહોંચી હતી. ભાવનગરના ઘોઘા અને ખંભાળિયા વિસ્તારમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સાથે ખેતરોમાં તૈયાર થયેલા રવિ પાકને નુકસાન થવાની પૂરેપૂરી શકયતા છે.
આગામી આગાહીઃ હવામાન વિભાગની વિગતો અનુસાર, રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ અડધા ઈંચથી લઈને સામાન્ય વરસાદી ઝાપટાં નોંધાયા છે. પવન સાથે પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યુ છે. આકાશમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ હોવાથી આગામી સમયમાં વધુ વરસાદ પડવાની શકયતાઓને હવામાન વિભાગે નકારી નથી. માવઠાના પ્રકોપને પગલે ખેડૂતો હવે કુદરત સામે મીટ માંડીને બેઠા છે કે કયારે આ આફત ટળે અને તેમનો પાક બચે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
