News of Saturday, 4th April 2026
જાંબુઆ બ્રિજ પર મધરાતે મોતનું તાંડવ : કેમિકલ ટેન્કરમાં ભીષણ લીકેજ બાદ નેશનલ હાઈવે ‘અગ્નિની નદી’માં ફેરવાયો
વેસ્ટ કેમિકલ ભરેલા ટેન્કરની જ્વાળાઓ અડધો કિલોમીટર સુધી પ્રસરી જતાં વાહનચાલકોમાં ભારે નાસભાગ : ત્રણ ફાયર સ્ટેશનના જવાનોએ વિસ્ફોટનું જોખમ ખેડી મધરાતે ભયાનક અગ્નિકાંડ પર મેળવ્યો કાબૂ

વડોદરા: નેશનલ હાઈવે નંબર 48 પર ગત મોડી રાત્રે જાણે મોતનું તાંડવ ખેલાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે જાંબુઆ બ્રિજ પરથી પસાર થઈ રહેલું એક જોખમી કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર અચાનક ચાલતી ટ્રકે જ 'બોમ્બ'ની જેમ સળગી ઉઠ્યું હતું. ટેન્કરમાં થયેલા ગંભીર લીકેજને કારણે જ્વલનશીલ કેમિકલ રસ્તા પર નદીની જેમ વહેવા લાગ્યું હતું, જેના પરિણામે અડધો કિલોમીટર સુધી હાઈવે અગનગોળામાં ફેરવાઈ ગયો હતો. આ ભયાનક અગ્નિકાંડને પગલે વાહનચાલકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.
રસ્તા પર વહેવા લાગ્યું સળગતું કેમિકલ
ટેન્કર પર 'હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ' લખેલું હતું અને પ્રાથમિક તપાસ મુજબ ચાલુ ટેન્કરમાં લીકેજ થયું હતું. કેમિકલ જ્વલનશીલ હોવાથી તેણે તરત જ આગ પકડી લીધી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે કેમિકલ રોડ પર વહેવાને કારણે આગની જ્વાળાઓ અડધો કિલોમીટર સુધી પ્રસરી ગઈ હતી, જેના કારણે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ત્રણ ફાયર સ્ટેશનની ટીમો પહોંચી
વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસને મોડી રાત્રે ટેન્કરમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા જ GIDC ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમોને પણ મદદ માટે બોલાવી હતી. આવા કેમિકલ રિએક્શનને કારણે બ્લાસ્ટ થવાની પૂરેપૂરી ભીતિ રહે છે, પરંતુ ફાયર બ્રિગેડની સતર્કતા અને સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
સબ ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, કેમિકલ વિસ્ફોટક હોવાની શક્યતાને ધ્યાને રાખીને સૌ પ્રથમ આગની જ્વાળાઓને કટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ટેન્કરના ઉપરના ભાગેથી લીકેજ થતું હોવાથી ત્યાંથી તેને કટ ઓફ કરી કુલિંગ પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી.
જાનહાનિ ટળી, વાહન વ્યવહાર પૂર્વવત
સદનસીબે, આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર વિભાગે ટેન્કરના ડ્રાઇવર, ક્લીનર અને આસપાસના અન્ય વાહનચાલકોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા. હાલમાં આ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે, અને હાઇવે પર વાહન વ્યવહારને ફરીથી પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
