<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

દાદરાનગર હવેલીમાં ગેસના ગોડાઉનમાં બ્‍લાસ્‍ટ, ૪નાં કરુણ મોત, ૪ ગંભીર ઈજાગ્રસ્‍ત

વિસ્‍ફોટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉનની મજબૂત દીવાલો અને છત ધરાશાયી થઈ ગઈ હતી

વાપી,તા.૦૪: કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલા એક નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં અચાનક ભયાનક વિસ્‍ફોટ થતાં સમગ્ર વિસ્‍તાર ધણધણી ઉઠ્‍યો હતો. આ દુર્ઘટનામાં અત્‍યાર સુધીમાં ૪ લોકોના કરુણ મોત નિપજ્‍યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, જ્‍યારે અન્‍ય ૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાદરા નગર હવેલીના ઔદ્યોગિક વિસ્‍તારમાં આવેલા નાઇટ્રોજન ગેસના સિલિન્‍ડરના ગોડાઉનમાં આ બ્‍લાસ્‍ટ થયો હતો. વિસ્‍ફોટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉનની મજબૂત દીવાલો અને છત ધરાશાયી થઈ ગઈ હતી. બ્‍લાસ્‍ટનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો, જેને કારણે આસપાસના રહીશો અને અન્‍ય એકમોમાં કામ કરતા શ્રમિકોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ સ્‍થાનિક તંત્ર, પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્‍ક્‍યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે, જ્‍યાં તેમની સ્‍થિતિ નાજુક હોવાનું જાણવા મળ્‍યું છે.

 ગેસ ગોડાઉનમાં આ વિસ્‍ફોટ કયા કારણોસર થયો તે હજુ સ્‍પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજને કારણે આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ અને ફોરેન્‍સિક ટીમો દ્વારા નમૂના લઈ તપાસ તેજ કરવામાં આવી છે. ગોડાઉનમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવતું હતું કે નહીં, તે અંગે પણ વહીવટી તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્‍યા છે.

 

(3:13 PM IST)