News of Saturday, 4th April 2026
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારીનો ધમધમાટ : આજે ભાજપ સહિત ત્રણ ઉમેદવારોએ ૬ નામાંકન પત્રો રજૂ કર્યા
અત્યાર સુધીમાં ૧૭ અરજદારો દ્વારા ૪૨ ફોર્મ મેળવાયા, ૬ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે : ચૂંટણી પંચની સૂચના મુજબ ઉમેદવારોના સોગંદનામા ૨૪ કલાકમાં વેબસાઈટ પર ઓનલાઈન જોઈ શકાશે

ઉમરેઠ:ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આગામી ૨૩મી એપ્રિલના રોજ યોજાનારા મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા ૩૦ માર્ચના રોજ નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે અન્વયે આજે ૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ કુલ ત્રણ ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ૬ નામાંકન પત્રો રજૂ કર્યા છે.
આજે ફોર્મ ભરનાર ઉમેદવારોની વિગત:
ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી સમક્ષ આજના દિવસે મુખ્ય પક્ષો અને અપક્ષો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને વિમલકુમાર કાંતીલાલ પટેલે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. આ ઉપરાંત ભારતીય નેશનલ જનતા દળ તરફથી મૌલિકકુમાર વિનોદચંદ્ર શાહે પણ ૧૧૧-ઉમરેઠ બેઠક માટે દાવેદારી નોંધાવી છે.
૪૨ ફોર્મનો ઉપાડ, ૬ એપ્રિલ સુધી ભરી શકાશે ફોર્મ:
ચૂંટણી તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં કુલ ૧૭ જેટલા અરજદારોએ ચૂંટણી લડવા માટે ૪૨ ઉમેદવારી પત્રો મેળવ્યા છે. જાહેર રજાના દિવસો બાદ કરતા, આગામી સોમવાર તા. ૦૬-૦૪-૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. આ પત્રો મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવશે.
સોગંદનામા ઓનલાઈન જોઈ શકાશે:
ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, દરેક ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર સાથે સોગંદનામું (એફિડેવિટ-ફોર્મ-૨૬) રજૂ કરવું ફરજિયાત છે. ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા આ સોગંદનામા ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જનતા અને મતદારો ઉમેદવારોની વિગતો જાણી શકે તે માટે આ એફિડેવિટ ગુજરાત ચૂંટણી પંચની સત્તાવાર લિંક https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates પર ઉપલબ્ધ રહેશે. વહીવટી તંત્ર દ્વારા મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
