News of Saturday, 4th April 2026
"સાહેબ, અમને મૂકીને ન જાવ...": થરાદના ચારડા ગામે ગુરુ-શિષ્યના અતૂટ પ્રેમની સર્જાઈ લાગણીસભર ઝલક, બે શિક્ષકોની બદલી થતા આખું ગામ હિબકે ચડ્યું
પગાર નહીં પણ પ્રેમ જ શિક્ષકની સાચી મૂડી: ૧૫ વર્ષની સેવા બાદ જીગ્નેશભાઈ વણઝારા અને ૧૦ વર્ષ બાદ ગીતાબેન ચૌધરીની વિદાય વેળાએ ભાવુક દ્રશ્યો, માસૂમ ભૂલકાઓ રડતા રડતા શિક્ષકોને વળગી પડ્યા

થરાદ (બનાસકાંઠા) : આજના ભૌતિકવાદી યુગમાં જ્યાં સંબંધો માત્ર સ્વાર્થ પર ટકેલા હોય છે, ત્યારે બનાસકાંઠાના થરાદ તાલુકાના ચારડા ગામમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધની એક એવી મિસાલ જોવા મળી જેણે લાખો લોકોની આંખો ભીની કરી દીધી છે. ચારડા પ્રાથમિક શાળાના બે અત્યંત લોકપ્રિય શિક્ષકો - જીગ્નેશભાઈ વણઝારા અને ગીતાબેન ચૌધરીની અન્યત્ર બદલી થતા યોજાયેલો વિદાય સમારંભ માત્ર કાર્યક્રમ નહીં, પણ લાગણીઓનો મહાસાગર બની રહ્યો હતો.
છેલ્લા ૧૫ વર્ષથી જીગ્નેશભાઈ વણઝારાએ આ શાળામાં માત્ર પાઠ્યપુસ્તકોનું જ્ઞાન જ નથી આપ્યું, પણ બાળકોના જીવન ઘડતરમાં પિતાતુલ્ય ભૂમિકા ભજવી છે. તેમની સાથે જ છેલ્લા ૧૦ વર્ષથી ગીતાબેન ચૌધરીએ નાના ભૂલકાઓને સંસ્કાર અને શિક્ષણનું સિંચન કર્યું છે. જ્યારે આ બંને શિક્ષકો પોતાની બદલી થતા શાળામાંથી વિદાય લઈ રહ્યા હતા, ત્યારે દ્રશ્યો અત્યંત હૃદયદ્રાવક હતા. ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓ પોતાના પ્રિય શિક્ષકોને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. નાના બાળકોના મુખેથી નીકળેલા શબ્દો - "સાહેબ અમને મૂકીને ન જાવ" - સાંભળીને ત્યાં હાજર રહેલા પથ્થર દિલના માણસની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
બાળકોનો આવો નિઃસ્વાર્થ અને અસીમ પ્રેમ જોઈને બંને શિક્ષકો પણ ગદગદિત થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી પણ અશ્રુધારા વહી નીકળી હતી. તેમણે ભારે હૈયે સ્વીકાર્યું હતું કે, આટલા વર્ષો દરમિયાન બાળકો અને ગ્રામજનો તરફથી જે માન-સન્માન મળ્યું છે, તે જ તેમના જીવનની સાચી કમાણી અને સૌથી મોટી મૂડી છે. સમગ્ર ચારડા ગામ આ વિદાય પ્રસંગનું સાક્ષી બન્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે એક આદર્શ શિક્ષક જ્યારે શાળા છોડે છે, ત્યારે તે માત્ર એક સરકારી કર્મચારી તરીકે નહીં, પણ પરિવારના સભ્ય તરીકે વિદાય લે છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
