News of Saturday, 4th April 2026
ગરબાડામાં ચૂંટણીનો પારો ચડ્યો: સ્થાનિક સ્વરાજની જંગ માટે કોંગ્રેસ 'એક્શન મોડ'માં, 29 બેઠકો માટે 87 દાવેદારોનો ભારે ધસારો
જૂનો ગઢ પરત મેળવવા ચંદલા આશ્રમશાળા ખાતે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ: પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા સહિતના દિગ્ગજોની હાજરીમાં રણનીતિ તૈયાર, કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ

ગરબાડા : ગુજરાતમાં ૨૬મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસે પોતાના ગુમાવેલા ગઢને ફરીથી કબજે કરવા માટે કમર કસી છે. ગરબાડાના ચંદલા આશ્રમશાળા ખાતે ઉમેદવારોની પસંદગી માટે યોજાયેલી 'સેન્સ' પ્રક્રિયામાં ચોંકાવનારી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા. ૨૪ તાલુકા પંચાયત અને ૫ જિલ્લા પંચાયત બેઠકો માટે કુલ ૮૭ જેટલા મુરતિયાઓએ મેદાને ઉતરવાની ઈચ્છા વ્યક્ત કરતા પક્ષના મોવડી મંડળમાં પણ હલચલ મચી ગઈ છે.
આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી દક્ષેશ પટેલ, દાહોદ જિલ્લા પ્રભારી પાર્સિંગભાઈ અને ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસને અહીં મોટો ફટકો પડ્યો હતો અને પક્ષના પંજામાંથી પંચાયત સરકી ગઈ હતી. જોકે, આ વખતે દાવેદારોની આટલી મોટી સંખ્યા અને કાર્યકરોનો જોશ જોઈને લાગે છે કે કોંગ્રેસ ભાજપ સામે જોરદાર ટક્કર આપવા માટે સજ્જ છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન નેતાઓએ દરેક દાવેદારની જમીની હકીકત અને જીતવાની ક્ષમતાની ઝીણવટભરી તપાસ કરી હતી.
ચૂંટણીના સમીકરણો પર નજર કરીએ તો, ગરબાડા કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. પક્ષના નવા પ્લાન મુજબ, આ વખતે "ચકાસીને ટિકિટ" આપવાની વ્યૂહરચના અપનાવવામાં આવી છે. તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠોડ અને સંગઠનના અન્ય હોદ્દેદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પંચાયત પર ફરી પંજો લહેરાશે. ૨૬મી એપ્રિલે રવિવારે યોજાનારા મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટૂંક સમયમાં જ પક્ષ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
