News of Monday, 6th April 2026
સાપુતારાથી વઘઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર દેવીપાડા નજીક ગાડી પલ્ટી જતા એક જ પરિવારના સાત સભ્યોને ઇજા
સપ્તશૃંગી માતાજીના દર્શન કરી પરત ફરતા બારડોલીના પરિવારની ગાડી પલ્ટી: બારખાંદિયા ફાટક પાસે ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈને પલ્ટી મારી ગઈ

ડાંગ જિલ્લાના સાપુતારાથી વઘઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર આજે દેવીપાડા અને બારખાંદિયા ફાટક નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, બારડોલીનો એક પરિવાર મહારાષ્ટ્રના વણી ખાતે સપ્તશૃંગી માતાજીના દર્શન કરીને પોતાની ઇકો ગાડી (નંબર GJ-19-BA-4215)માં પરત ફરી રહ્યો હતો.
આ દરમિયાન બારખાંદિયા ફાટક પાસે ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈને પલ્ટી મારી ગઈ હતી.
આ કરુણ દુર્ઘટનામાં ગાડીમાં સવાર એક જ પરિવારના અંદાજે 7 જેટલા સભ્યોને શરીરના વિવિધ ભાગોમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
તમામ ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે વઘઈ સી.એચ.સી. ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં ઇકો ગાડીને વ્યાપક નુકસાન થયું છે, જ્યારે વઘઈ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
