<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

સુરત જિલ્લામાં ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપતા RTE પ્રવેશનો પ્રારંભ

સુરત જિલ્લામાં 3597‎બેઠકો માટે 17 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે‎

સુરત જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપતા ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (RTE) એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. સુરત જિલ્લાની 3597 બેઠકો પર ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી આગામી 17 એપ્રિલ સુધી ચાલશે. જોકે, આશ્ચર્યજનક રીતે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સુરતમાં બેઠકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના આંકડા મુજબ, ખાનગી શાળાઓમાં કુલ બેઠકોના 25 ટકા મુજબ આ વર્ષે સુરત જિલ્લામાં 3597 બેઠકો ફાળવવામાં આવી છે. ગત વર્ષે આ બેઠકોની સંખ્યા 3915 હતી, જેમાંથી 2903 બાળકોએ પ્રવેશ લીધો હતો.
આ વર્ષે 318 બેઠકોનો ઘટાડો થયો છે. બેઠકો ઘટતા સ્પર્ધા વધુ જોવા મળી શકે છે. સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમની 41 હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ છે. લાભાર્થી વાલીઓએ નિયત સમય મર્યાદામાં જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભરવાનું રહેશે.
અગાઉ આંગણવાડીના બાળકોને અનામત કેટેગરી પહેલા અગ્રતા મળતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ, પ્રવેશ પ્રક્રિયામાં સૌપ્રથમ અનામત કેટેગરીના બાળકોને અગ્રતા અપાશે.
આ કારણે સીટો ઘટી
સુરત જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 318 બેઠકો ઓછી છે. આ વર્ષે કરેલ સર્વેમાં કેટલીક શાળાઓ બંધ થવાને કારણે આરટીઈની સીટમાં ઘટાડો નોંધાયો છે.
સૌથી વધુ 907 સીટ પલસાણા તાલુકામાં
તાલુકો શાળા સીટ
બારડોલી 35       388
ચોર્યાસી 28       337
કામરેજ 65       753
મહુવા 12       87
માંડવી 17      153
માંગરોળ 40      331
ઓલપાડ 79      633
પલસાણા 113      907
ઉમરપાડા 01      08
કુલ      390          3597

(11:44 AM IST)