News of Monday, 6th April 2026
ભૂપેન્દ્રભાઈની ખમવાની ક્ષમતા વધુ હશે એટલે બે ઝટકા વધુ ખમશે,પણ જો કઈ આઘું-પાછું ચાલશે તો સરકાર પાડી જ દેશે: સીએમની વિપક્ષને ચેતવણી
ભાજપના 46મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી: ગાંધીનગર ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે વિશેષ કાર્યક્રમ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર :આજે 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે,સમગ્ર પરિસર કેસરીયા માહોલમાં રંગાયેલું જોવા મળ્યું હતું અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા 'કમલમ' ખાતે ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોના હસ્તે ભાજપનો ધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પક્ષના ગીતો અને નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
ધ્વજવંદન બાદ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનોએ પક્ષના સ્થાપક મહાનુભાવો અને પાયાના નેતાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભાજપના શૂન્યમાંથી સર્જન સુધીની સફરને યાદ કરી તેમના બલિદાન અને સમર્પણને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. શિસ્તબદ્ધ રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરોમાં પક્ષની વિચારધારા અને આગામી ચૂંટણીઓ જીતવાનો સંકલ્પ જોવા મળ્યો હતો. 'કમલમ' ખાતે સવારથી જ કાર્યકરોની ભીડ ઉમટી પડી હતી.
માત્ર ગાંધીનગર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને બૂથ સ્તરે પણ ભાજપના સ્થાપના દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક સ્તરે કાર્યકરો દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને પક્ષની નીતિ-રીતિઓ જનતા સુધી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં ભાજપના સંઘર્ષના દિવસોને યાદ કરતા કાર્યકરોને માર્મિક ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે, આજે તો પોસ્ટરો માટે ઓર્ડર આપી દેવાય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ભાજપનો કાર્યકર રાત્રે 2-2 વાગ્યા સુધી જાતે પોસ્ટરો લગાવતો હતો. કાર્યકરોની સક્રિયતા પર ચપટી લેતા તેમણે પૂછ્યું હતું કે, "ચૂંટણી છે એટલે આટલી સંખ્યા દેખાય છે, શું દરરોજ આટલા જ કાર્યકરો કાર્યાલયે આવે છે?" તેમણે શિસ્તનો પાઠ ભણાવતા કહ્યું કે, જ્યારે કંઈ ન મળે ત્યારે 'હોહા' કરવી એ ખોટી બાબત છે, ભાજપમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સર્વોપરી છે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિપક્ષનું કામ માત્ર ખામીઓ શોધવાનું છે. જે કામ કરે તેનાથી જ ભૂલ થાય, જે કંઈ કરતું જ નથી તેનામાં ખામી શું શોધવી? તેમણે એક કિસ્સો શેર કરતા કહ્યું કે, વિપક્ષના ધારાસભ્યો જ્યારે રજૂઆત કરવા આવ્યા કે સરકાર તેમને હેરાન કરે છે, ત્યારે મેં તેમને વળતો સવાલ કર્યો હતો કે તમારા રાજ્યોમાં તમે અમારા લોકો સાથે શું કરો છો? તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, "ભૂપેન્દ્રભાઈની ખમવાની ક્ષમતા વધુ હશે એટલે બે ઝટકા વધુ ખમશે, પણ સરકાર તો સરકાર જ હોય, જો કઈ આઘું-પાછું ચાલશે તો સરકાર પાડી જ દેશે." અંતમાં તેમણે ઉમેર્યું કે આજે બૂથનો કાર્યકર પણ ટિકિટનો દાવેદાર બની શકે છે તે ભાજપની વિશેષતા છે
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપની વિકાસયાત્રા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ભાજપનો સ્થાપના દિવસ એ માત્ર જન્મદિવસ નથી, પરંતુ 17 કરોડથી વધુ કાર્યકરો સાથે બનેલી દુનિયાની સૌથી મોટી પાર્ટીની ગૌરવયાત્રા છે. તેમણે જનસંઘથી ભાજપ સુધીની સફર અને ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે જનતા મોરચાએ સંઘ છોડવાની શરત મૂકી ત્યારે ભાજપે પદના બદલે વિચારધારાને પસંદ કરી હતી.
જગદીશભાઈએ કાર્યકરોની મહેનતને બિરદાવતા કહ્યું કે, ભાજપના હજારો કાર્યકરોએ પોતાના ઘરને જ કાર્યાલય બનાવી દીધા હતા અને 'ગાંઠનું ગોપીચંદન' ઘસીને કમળને સુગંધિત કરવાનું કામ કર્યું છે. પદ મળે કે ન મળે, પણ નિસ્વાર્થ ભાવે સેવા કરતો કાર્યકર જ પક્ષની સાચી મૂડી છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા નિવેદનો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ સતત ગુજરાતીઓનું અપમાન કરી રહી છે અને આ અપમાનનો બદલો ગુજરાતની જનતા આગામી સમયમાં ચોક્કસ લેશે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
