હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પક્ષનો ધ્વજ લહેરાવીને ભારત માતા, ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભાજપ એ રાષ્ટ્ર પ્રથમની ભાવના ધરાવતું માધ્યમ - ભુપેન્દ્રભાઈ પટેલ:
કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે જનસેવા કરવાનું માધ્યમ છે. તેમણે ભૂતકાળના સંઘર્ષને યાદ કરતા કહ્યું કે, માત્ર બે બેઠકો હોવા છતાં ભાજપ ક્યારેય વિચલિત નથી થઈ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતથી જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી, તેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જેટલું બોલવું એટલું કરવું એ ભાજપની કાર્યશૈલી રહી છે. રાજ્યનું બજેટ 9 હજાર કરોડથી વધીને આજે 4.08 લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે ભાજપના સક્ષમ નેતૃત્વની સાબિતી છે. કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થવી એ અનેક કાર્યકરોની શહાદત અને પરિશ્રમનું પરિણામ છે.
કોંગ્રેસની માનસિકતા પર જગદીશભાઈ વિશ્વકર્માના પ્રહાર:
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં પક્ષના ઈતિહાસ અને વિચારધારા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને "અભણ" અને "મૂર્ખ" કહેવા અંગે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ગાંધી અને સરદારની આ ધરતીનું અપમાન સાડા છ કરોડ ગુજરાતીઓ ક્યારેય સહન નહીં કરે અને જડબાતોડ જવાબ આપશે. જગદીશભાઈએ જણાવ્યું કે, 1951માં જનસંઘથી શરૂ થયેલી સફર આજે વટવૃક્ષ બની છે. તેમણે અટલ બિહારી વાજપેયીની ભવિષ્યવાણી "અંધેરા છટેગા, સૂરજ નિકલેગા, કમલ ખીલેગા" ને યાદ કરી કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વિજય સંકલ્પ:
જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે કાર્યરત રહી તમામ સ્થાનો પર ભાજપનો ભગવો લહેરાવવા આહવાન કર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ વંશવાદ પર ચાલતો પક્ષ નથી, પરંતુ સાચી લોકશાહીનો પક્ષ છે જ્યાં બૂથનો કાર્યકર પણ વડાપ્રધાન બની શકે છે. રામ મંદિરનું નિર્માણ, ટ્રિપલ તલાકની નાબૂદી અને ગુજરાતમાં UCC કાયદો પસાર થવો એ ભાજપની પંચનિષ્ઠાઓનું પરિણામ છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ, ગોરધનભાઈ ઝડફિયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના સ્થાપના દિવસે તમામ પદાધિકારીઓએ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવાના સંકલ્પને દોહરાવ્યો હતો.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM